News of Tuesday, 1st September 2026
મુંબઈ લોકલના લેડીઝ કોચમાં રાતના સમયે સુરક્ષા કર્મી ગાયબ! એકલી મુસાફરી કરતી મહિલાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થતાં રેલવે સુરક્ષાની પોલ ખુલી
‘જો કોઈ અજાણ્યો શખ્સ ડબ્બામાં ચઢી જાય તો હું શું કરું?’ સુરક્ષા માંગવા પર પોલીસે મહિલાને જેન્ટ્સ કોચમાં બેસવાની સલાહ આપતા ભારે રોષ; અંતે મોટરમેને વહારે આવી સુરક્ષા પૂરી પાડી

મુંબઈ, તા.૦૧: મુંબઈની જીવાદોરી સમાન સબર્બન લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા ફરી એકવાર રામભરોસે હોવાનું સામે આવ્યું છે. મધ્ય રેલવેમાં મધરાત્રે કલ્યાણ તરફ જતી લોકલમાં એકલી મુસાફરી કરી રહેલી એક મહિલાએ લેડીઝ કોચમાં સુરક્ષાકર્મીની સંપૂર્ણ ગેરહાજરીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. ખાલીખમ ડબ્બામાં કોઈ રક્ષક ન હોવાથી ગભરાયેલી આ મહિલાએ રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર અને વાજબી સવાલો ઉઠાવ્યા છે.
આ ઘટના રાત્રે ૧૧:૩૦ થી ૧૨:૩૦ વચ્ચે બની હતી. મહિલાને ડોંબિવલી ઊતરવાનું હતું, પરંતુ ટ્રેન કલ્યાણ જતી હોવાથી તેણે પોતાની સાથે રહેલી અન્ય એક મહિલા મુસાફરને ઠાકુર્લી સ્ટેશન સુધી સાથ આપવાનું નક્કી કર્યું હતું. વીડિયોમાં મહિલા સ્ટેશન પર ઊભેલા એક હોમગાર્ડને ખાલી લેડીઝ કોચ બતાવીને પૂછી રહી છે કે, "આ ડબ્બામાં કોઈ સુરક્ષા કર્મચારી કેમ નથી? જો કોઈ અચાનક અહીં ચઢી આવે તો મારે શું કરવું?" મહિલાના જણાવ્યા અનુસાર, આવું તેની સાથે પહેલી વાર નથી બન્યું, પરંતુ આ પાંચમી કે છઠ્ઠી વખતનો કડવો અનુભવ છે.
સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે મહિલાએ પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી, ત્યારે તેને લેડીઝ કોચને બદલે જેન્ટ્સ કોચમાં મુસાફરી કરવાની અજીબોગરીબ સલાહ આપવામાં આવી. આ સલાહથી રોષે ભરાયેલી મહિલાએ સવાલ કર્યો કે જો મહિલાઓ માટે અલગ કોચ ફાળવવામાં આવ્યો છે, તો તેમાં સુરક્ષા પૂરી પાડવી એ તંત્રની ફરજ નથી? સદ્ભાગ્યે, ટ્રેનના મોટરમેને આ સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને મહિલા માટે તાત્કાલિક સુરક્ષા સહાયની વ્યવસ્થા કરી આપી, જેથી તે પોતાની આગળની મુસાફરી નિર્ભય બનીને પૂરી કરી શકી.
ભૂતકાળના કડવા અનુભવો છતાં કાગળ પર રહી ગયેલા નિયમો
આ ઘટના જૂન ૨૦૨૩ ના એ કાળા દિવસની યાદ અપાવે છે, જ્યારે સીએસએમટી (CSMT) અને મસ્જિદ સ્ટેશન વચ્ચે ચાલતી ટ્રેનમાં વહેલી સવારે પરીક્ષા આપવા જઈ રહેલી એક ૨૦ વર્ષીય કોલેજિયન યુવતી પર બળાત્કારની ઘટના બની હતી. તે ગંભીર ઘટના બાદ રેલવે તંત્રે આદેશ આપ્યો હતો કે વહેલી સવારે અને મોડી રાત્રે લેડીઝ કોચમાં ઓછામાં ઓછો એક સુરક્ષા કર્મચારી ફરજિયાત હાજર રહેશે. પરંતુ વાયરલ થયેલો આ નવો વીડિયો દર્શાવે છે કે આ સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત છે.
મુંબઈ લોકલમાં દરરોજ સરેરાશ ૭૦ લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરે છે, જેમાં ૩૫ થી ૪૦ ટકા સંખ્યા મહિલાઓની હોય છે. આ ઘટનાએ મોડી રાત્રે નોકરી કે કામકાજ અર્થે મુસાફરી કરતી હજારો મહિલાઓની સુરક્ષા પર મોટું પ્રશ્નાર્થચિહ્ન લગાવી દીધું છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
