<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

નેપાળમાં કાળમુખી કુદરતનો પ્રકોપ: ગ્લેશિયર ફાટતાં 130 મીટર ઊંડી ટનલોમાં ફસાયા 600થી વધુ કામદારો; પહાડો નીચે 1000થી વધુના મોતનો ભયાનક મંઝર

ત્રિશુલી નદીનું પૂર, કાદવનું સામ્રાજ્ય અને ગૂંગળામણ વચ્ચે ‘જીવન અને મરણ’ વચ્ચે ખેલાતો જંગ: ભારતીય સેનાની સ્પેશિયલ ટનલ ટીમ અને કોરિયન બચાવ ટુકડીએ મોરચો સંભાળ્યો.

કાઠમંડુ, તા. 01: હિમાલયની શાંત વાદીઓમાં કુદરતે એવો ભયાનક વિનાશ સર્જ્યો છે કે સાંભળનારના રૂવાડાં ઊભાં થઈ જાય. નેપાળ-તિબેટ સરહદ પર ગ્લેશિયર ફાટવાના એક અઠવાડિયા પછી પણ પરિસ્થિતિ અતિ ગંભીર અને ભયાનક બની રહી છે. રાસુવા અને નુવાકોટ જિલ્લાના 11 જેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા 600થી વધુ કર્મચારીઓ અને કામદારો હજુ પણ ગુમ છે. આમાંથી આશરે 500થી વધુ નિર્દોષ કામદારો પહાડો કોતરીને બનાવાયેલી 130 મીટર ઊંડી અંધારી ટનલોમાં ફસાયેલા છે, જે હાલમાં કાદવ, કાંપ અને મસમોટા પથ્થરોથી સંપૂર્ણપણે પુરાઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નેપાળ અને તિબેટમાં થઈને આ કુદરતી આફતમાં મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે.

 

“અંદર ફક્ત લાશો જ દેખાતી હતી” – દર્દનાક દ્રશ્યો સામે આવ્યા

બચાવ ટીમ જ્યારે સ્વેમ્પ પર લાકડાના પાટિયાનો કામચલાઉ પુલ બનાવીને 130 મીટર ટનલની અંદર પહોંચી, ત્યારે અંદરનું દ્રશ્ય કાળજું કંપાવી દે તેવું હતું. પર્વતારોહક અને ગાઈડ આશિષ ગુરુંગે ભીની આંખે જણાવ્યું હતું કે, ચિલીમે હાઇડ્રોપાવર પ્લાન્ટની ટનલ છાતી સુધી કાદવમાં કૂંપાઈ ગઈ હતી અને ચારેય તરફ માત્ર મૃતદેહો જ નજરે પડતા હતા. કાદવ અને અંધારા વચ્ચે ગૂંગળામણથી વિતેલા કલાકોએ ફસાયેલા લોકો માટે ટનલને જ કબર બનાવી દીધી હોય તેવો ભાસ થઈ રહ્યો છે.

 

નેપાળનો પાવર ગ્રીડ ઠપ્પ, દેશ અંધારપટ તરફ

નેપાળની મોટાભાગની વીજળી પર્વતો કોતરીને બનાવાતી "રન-ઓફ-ધ-રિવર" ટેકનોલોજી પર આધારિત છે. નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA) મુજબ, પૂર અને કાટમાળના કારણે 11 હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આનાથી દેશની કુલ વીજળી ક્ષમતાના 10 ટકા પુરવઠો ક્ષણભરમાં ઠપ્પ થઈ ગયો છે. નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે જણાવ્યું કે અત્યાર સુધીમાં 279 કામદારોને રેસ્ક્યૂ કરી લેવાયા છે, પરંતુ હજુ પણ સેંકડો લોકો કાળના મુખમાં છે.

 

વિસ્ફોટો, ઓક્સિજન પંપ અને ડ્રોનથી અશક્યને શક્ય બનાવવાનો પ્રયાસ

બચાવ કામગીરીમાં વરસાદ અને અસ્થિર પહાડો સતત અવરોધ ઊભો કરી રહ્યા છે. સેનાએ ટનલ સુધી પહોંચવા માટે વિસ્ફોટકોથી પહાડો ધડાકાભેર તોડ્યા છે, જ્યારે અંદર ફસાયેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે વિશાળ પંપ દ્વારા ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેશનલ ટનલિંગ એસોસિએશનના ભૂતપૂર્વ વડા આર્નોલ્ડ ડિક્સ (જેમણે ભારતના ઉત્તરાખંડ સિલ્ક્યારા ટનલ રેસ્ક્યૂમાં મહત્વની ભૂમિકા ભજવી હતી) પણ આ કાટમાળ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘર જેવડા વિશાળ પથ્થરો કાદવમાં ખૂંપાયેલા હોવાથી ટનલનો મૂળ રસ્તો શોધવો પણ મુશ્કેલ બની ગયો છે.

 

ભારતીય સેના અને ફોરેન્સિક ટીમ મદદ માટે મેદાને

આ દુર્ઘટનામાં ફસાયેલા વિદેશીઓમાં ભારતીય કામદારોની સંખ્યા સૌથી વધુ છે. ભારતીય સેનાની 13 સભ્યોની નિષ્ણાત ટનલ રેસ્ક્યૂ ટીમ અને 18 સભ્યોની ફોરેન્સિક ટીમ સ્થળ પર તૈનાત છે. ડીએનએ (DNA) ટેસ્ટિંગ દ્વારા મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, કારણ કે અત્યાર સુધી મળેલા 900થી વધુ મૃતદેહોમાંથી માત્ર 4% ની જ ઓળખ થઈ શકી છે. આ સિવાય દક્ષિણ કોરિયાની 44 સભ્યોની સ્પેશિયલ ટીમ પણ કાઠમંડુ પહોંચીને મોરચો સંભાળી ચૂકી છે.

 

સમય ઝડપથી વીતી રહ્યો છે અને પાણી વિના 72 કલાકથી વધુ સમય જીવિત રહેવું અશક્ય હોય છે, છતાં પણ ટનલ અંદર ઓક્સિજન સિસ્ટમ હોવાના કારણે અંદર ફસાયેલા કામદારોના સગા-સંબંધીઓ હજુ પણ ચમત્કારની આશા રાખીને બેઠા છે.

 

(5:10 PM IST)