<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

દિલ્હી મેટ્રોનો 'કિંગ' બન્યો DMRC કર્મચારી: સ્પીડ, પરફેક્ટ પ્લાનિંગ અને ઝનૂન સાથે રચી નાખ્યો નવો ઈતિહાસ; સૌથી ઝડપથી તમામ મેટ્રો સ્ટેશન આવરી લઈને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ખોટો રૂટ લેવાની જૂની ભૂલમાંથી પાઠ શીખીને પ્રફુલ સિંહે પોતાની જ સેવાનો ઉપયોગ કરી 14 કલાક 54 મિનિટમાં 300થી વધુ સ્ટેશનોની મુસાફરી પૂરી કરી અશક્યને શક્ય કરી બતાવ્યું.

નવી દિલ્હી, તા. 01: દિલ્હીની જીવાદોરી ગણાતી દિલ્હી મેટ્રો ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવી છે, પણ આ વખતે કોઈ ટેકનિકલ ખામી કે નવી લાઈન માટે નહીં, પરંતુ એક સપના અને ઝનૂન માટે! દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) ના ઓપરેશન વિભાગમાં ફરજ બજાવતા પ્રફુલ સિંહે પોતાની જ ક્ષમતા અને મેટ્રો નેટવર્કના ઊંડા જ્ઞાનના બળે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. પ્રફુલે માત્ર 14 કલાક, 54 મિનિટ અને 36 સેકન્ડમાં દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશનોની સફર પૂરી કરીને પોતાનું નામ સુવર્ણ અક્ષરે 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ'માં નોંધાવી દીધું છે.

 

જૂની ભૂલ સુધારી, રચ્યો નવો ઈતિહાસ

પ્રફુલ સિંહ માટે આ તાજ પહેલીવાર નથી મળ્યો. અગાઉ 2022માં પણ તેમણે 254 સ્ટેશનોની મુસાફરી 16 કલાક અને 2 મિનિટમાં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, જૂન 2023માં સુજોય કુમાર મિત્રા અને શિપ્રા ગુપ્તાએ 15 કલાક 21 મિનિટમાં આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. પ્રફુલે આ હારને પડકાર તરીકે લીધી. તેમણે સ્વીકાર્યું કે પહેલી વાર ખોટો રૂટ પસંદ થઈ જવાથી દોઢ કલાકનો સમય બગાડ્યો હતો. પરંતુ આ વખતે તેમણે પોતાના વ્યવસાયિક અનુભવ, ટ્રેનના ટાઈમ-ટેબલ અને પરફેક્ટ રૂટ પ્લાનિંગનો ઉપયોગ કરીને માત્ર રેકોર્ડ તોડ્યો જ નહીં, પરંતુ એક અજેય સમયમર્યાદા પણ નક્કી કરી દીધી.

 

સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી 'રોમાંચક રેસ'

ગત 23 મેના રોજ સવારે 6:00 વાગ્યે વાયોલેટ લાઈન પર આવેલા 'રાજા નાહર સિંહ સ્ટેશન'થી તેમણે આ ઐતિહાસિક સફરનો પ્રારંભ કર્યો હતો. આખો દિવસ મેટ્રો લાઈનો બદલવી, સમય સાચવવો અને એક પણ સેકન્ડ વેડફ્યા વિના આગળ વધવું—આ બધું જ તેમણે કોઈ કુશળ સ્ટ્રેટેજિસ્ટની જેમ પૂર્ણ કર્યું. આખરે રાત્રે 9:00 વાગ્યે ગુરુગ્રામના 'મિલેનિયમ સિટી સેન્ટર સ્ટેશન' પર પહોંચીને તેમણે આ રોમાંચક મુસાફરીનો અંત આણ્યો હતો.

 

નિયમો કડક હતા, પણ ઈરાદો મજબૂત!

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના નિયમો આકરી કસોટી સમાન હોય છે. શરત મુજબ, મુસાફરે દરેક સ્ટેશન પર ટ્રેન રોકાય ત્યાં સુધી મુસાફરી કરવી પડે છે અને દરેક સ્ટોપ પર સમય દર્શાવતા (ટાઈમસ્ટેમ્પ્ડ) ફોટોગ્રાફિક પુરાવા એકત્રિત કરવા પડે છે. પ્રફુલે આ તમામ નિયમોનું ચોક્કસાઈથી પાલન કર્યું. તેમણે જણાવ્યું કે, "આ માત્ર એક વ્યક્તિગત રેકોર્ડ નથી, પરંતુ દિલ્હી મેટ્રોની કાર્યક્ષમતા અને જાહેર પરિવહન સુવિધા કેટલી સુલભ છે તે વિશ્વને બતાવવાનો મારો નમ્ર પ્રયાસ હતો."

 

માત્ર મેટ્રો જ નહીં, ખેલદિલીમાં પણ સુપરમેન છે પ્રફુલ!

તમને જાણીને નવાઈ લાગશે કે પ્રફુલ સિંહ માત્ર મેટ્રો કર્મચારી કે રેકોર્ડ હોલ્ડર નથી, પરંતુ એક પ્રોફેશનલ 'આયર્નમેન ટ્રાયથ્લીટ' પણ છે, જે સ્વિમિંગ, મેરેથોન અને સાયકલિંગમાં રસ ધરાવે છે. આ પહેલાં 2021માં તેમણે પોતાના ઘરે જ 134 કલાકમાં 3,000 કિલોમીટર ઈન્ડોર સાયકલિંગ કરીને 'ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં સ્થાન મેળવ્યું હતું. હવે તેમનું આગામી લક્ષ્ય કેન્સર રિસર્ચ વિશે જાગૃતિ ફેલાવવા માટે ભારતથી શ્રીલંકા સુધી દરિયામાં તરીને જવાનું છે!

 

પ્રફુલ સિંહની આ અદભુત સિદ્ધિ દર્શાવે છે કે જો તમારી પાસે યોગ્ય યોજના અને મજબૂત મનોબળ હોય, તો રોજિંદા જીવનના રસ્તાઓ પણ તમને વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચાડી શકે છે.

 

(5:06 PM IST)