News of Tuesday, 1st September 2026
અયોધ્યામાં માછલી ભોજન વિવાદ બાદ કાનૂની મહાસંગ્રામ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અજય રાયે લખનૌ કોર્ટ પહોંચી સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો દાખલ!
પવિત્ર શ્રાવણ માસમાં માછલી ખાવાના અને માફિયા સામે ઝૂકવાના કથિત આરોપોથી વિવાદ વકર્યો; રાયે ફેંક્યો ખુલ્લો પડકાર: "માછલી ખાવાનો એક પણ વીડિયો બતાવો તો રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ!"

લખનૌ, તા.૦૧: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અયોધ્યામાં કથિત 'માછલી મહોત્સવ' અને ભોજન મુદ્દે શરૂ થયેલા રાજકીય યુદ્ધે હવે કાનૂની લડાઈનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મંગળવારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાયે લખનૌ સિવિલ કોર્ટ પહોંચીને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિ (Defamation) નો કેસ દાખલ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે.
અજય રાયે આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના પર અયોધ્યા મુલાકાત દરમિયાન માછલી ખાવાનો અને માફિયાઓ સામે ડરીને શરણાગતિ સ્વીકારવાનો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક આરોપ લગાવ્યો છે.
"હું શાકાહારી અને બાબા વિશ્વનાથનો ભક્ત છું" – અજય રાયનો આકરો પ્રહાર
અજય રાયે કોર્ટ કાર્યવાહી બાદ પત્રકારો સાથે વાત કરતા સીએમ યોગીના આરોપોનો આકરો જવાબ આપ્યો હતો:
• ચુસ્ત શાકાહારી હોવાનો દાવો: રાયે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતે ચુસ્ત શાકાહારી અને બાબા વિશ્વનાથના પરમ ભક્ત છે. તેઓ ૨૩ ઓગસ્ટે અયોધ્યા ખાતે નિષાદ સમુદાયના આમંત્રણ પર એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. કાર્યક્રમ બાદ આયોજકોએ પોતાના સમુદાય માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.
• રાજકારણમાંથી નિવૃત્તિની ઓફર: તેમણે ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું, "જો સીએમ યોગી કે ભાજપ પાસે મારો માછલી ખાતો કોઈ પણ સત્યાપિત ફોટો કે વીડિયો હોય તો જાહેર કરે. જો એ સાબિત થઈ જાય તો હું આજે જ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ."
• માફિયા સામેની લડાઈ: સીએમ યોગીના માફિયા સામે ઝૂકવાના આરોપ અંગે તેમણે ઉમેર્યું કે, "મારા ભાઈ અવધેશ રાયની હત્યા બાદ હું ૩૨ વર્ષ સુધી કોર્ટમાં કાયદાકીય લડાઈ લડ્યો છું, કોઈ માફિયા સામે ક્યારેય ઝૂક્યો નથી."
શું હતો સમગ્ર 'માછલી મહોત્સવ' વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ૨૩ ઓગસ્ટે અયોધ્યાના તરુણમાં આયોજિત એક કાર્યક્રમથી થઈ હતી:
• ભાજપના આરોપો: ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે પવિત્ર શ્રાવણ મહિનામાં અયોધ્યામાં 'માછલી મહોત્સવ'નું આયોજન કરીને સનાતન ધર્મનું અપમાન કર્યું છે.
• સીએમ યોગીના કટાક્ષ: ૨૪ ઓગસ્ટે રાયબરેલીની સભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "શ્રાવણ મહિનામાં અયોધ્યામાં માછલીનો આનંદ લેવાઈ રહ્યો છે." તેમણે અજય રાય પર માફિયાઓ સામે સરન્ડર કરવાનો પણ દાવો કર્યો હતો.
આક્ષેપ-પ્રતિઆક્ષેપો બાદ હવે લખનૌ કોર્ટમાં કેસ દાખલ થતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો વાકયુદ્ધ આક્રમક મોડ પર પહોંચી ગયો છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
