<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

દક્ષિણથી ઉત્તર સુધી નવો રાજકીય ધડાકો: શું પીએમ બનવાની ઘેલછામાં થલાપતિ વિજય સીએમ પદ પણ ગુમાવશે? તમિલનાડુમાં ગઠબંધન સરકાર તૂટવાના આરે!

પીએમ પદના દાવેદાર તરીકે વિજયનો પ્રચાર વધતાં કૉંગ્રેસ લાલચોળ: "રાહુલ ગાંધીને ટેકો નહીં આપો તો સરકાર પાડી દઈશું," કૉંગ્રેસી મંત્રીઓની રાજીનામાની ધમકીથી ખળભળાટ

ચેન્નઈ, તા.૦૧: દક્ષિણ ભારતના રાજકારણમાં અતિ આશ્ચર્યજનક અને નાટકીય મોડ આવ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી અને તમિલનાડુ વેટ્રી કઝગમ (TVK) ના સુપરસ્ટાર નેતા સી. જોસેફ વિજય (Thalapathy Vijay) ને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાના અભિયાનથી તેમની જ ગઠબંધન સરકારમાં વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. પીએમ પદની રેસમાં કૉંગ્રેસના રાહુલ ગાંધી અને TVK વચ્ચે તીવ્ર મતભેદો સપાટી પર આવતાં જ તમિલનાડુની ગઠબંધન સરકાર ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ સર્જાઈ છે.


બહુમતીનો જાદુઈ આંકડો અને કૉંગ્રેસના સહારાથી બનેલી સરકાર
મે મહિનામાં યોજાયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ૨૩૪ બેઠકોમાંથી ૨૧ વર્ષ જૂની DMK ને પછાડીને વિજયની પાર્ટી TVK ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. વિજયે એક બેઠક છોડતાં તેમની પાસે ૧૦૭ બેઠકો રહી હતી, જ્યારે બહુમતી માટે ૧૧૮ બેઠકો જરૂરી હતી.

આ તબક્કે, કૉંગ્રેસના ૫ ધારાસભ્યો તેમજ CPI, CPM, VCK અને IUML ના બબ્બે ધારાસભ્યોના ટેકાથી ૧૨૦ નો જાદુઈ આંકડો પાર કરીને વિજયે સરકાર બનાવી હતી. સરકારમાં કૉંગ્રેસના બે મંત્રીઓ સામેલ છે, જે હાલમાં ગઠબંધનના પાયા સમાન છે.


"પીએમ તો દક્ષિણમાંથી જ હોવો જોઈએ" – વિજયના અભિયાનથી વિવાદની શરૂઆત
TVK નેતાઓ અને મંત્રીઓ દ્વારા વિજયને આગામી દેશના પીએમ તરીકે દર્શાવવાની હોડ જામી છે:


•    મંત્રી સરથકુમારનું નિવેદન: "જેઓ સેન્ટ જ્યોર્જ ફોર્ટમાં સીએમ છે, તેઓ જ ભારતના આગામી પીએમ બનશે."

•    મંત્રી આધવ અર્જુનની માગ: "ઉત્તર ભારતના ૫-૬ રાજ્યો ભેગા થઈને પીએમ નક્કી કરે તે દિવસો ગયા, હવે પીએમ તમિલનાડુથી હોવા જોઈએ."

તાજેતરમાં આવેલી એક નેશનલ ન્યૂઝ ચેનલના સર્વે (Mood of the Nation) માં પીએમ પદના દાવેદારોમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પછી વિજયને ૯% સમર્થન સાથે ત્રીજા સ્થાને દર્શાવવામાં આવ્યા હતા. આ સર્વે આવ્યા બાદ વિજયના સમર્થકોએ ઉત્તર ભારતમાં પણ "વિજયને પીએમ બનાવો" ના વિશાળ પોસ્ટરો અને પ્રમોશનલ વીડિયોનું રેલો શરૂ કરી દીધો હતો.


કૉંગ્રેસ લાલચોળ: સરકારમાંથી રાજીનામા અને તોડી પાડવાની ધમકી
વિજયને પીએમ પદના દાવેદાર તરીકે રજૂ કરાતાં કૉંગ્રેસનો પારો આસમાને પહોંચ્યો છે. કૉંગ્રેસ નેતાઓએ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, "TVK માત્ર એક સુપરસ્ટારની આસપાસ ફરતી પાર્ટી છે. પીએમ બનવા માટે ૨૭૨ સાંસદોનું સમર્થન જોઈએ, ચાહકોથી સરકારો ચાલતી નથી."

સ્થિતિ એટલી વણસી છે કે કૉંગ્રેસના ધારાસભ્ય અને પ્રવાસન મંત્રી એસ. રાજેશ કુમારે જાહેરમાં ધમકી આપી છે કે, "જો TVK વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર તરીકે સ્વીકારશે નહીં, તો કૉંગ્રેસના બંને મંત્રીઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે અને સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેશે."

હવે સવાલ એ ઊભો થયો છે કે, પીએમ બનવાની મહત્વાકાંક્ષામાં શું થલાપતિ વિજય પોતાની તમિલનાડુની મુખ્યમંત્રીની ખુરશી પણ ગુમાવશે?

(4:46 PM IST)