<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

તહેવારો પહેલાં કેન્દ્ર સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: ખાંડના વેપારીઓ માટે સ્ટોક લિમિટેડ મર્યાદા ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરાઈ; સંગ્રહખોરો અને સટ્ટાખોરો પર વિરામ!

ભાવમાં ૨૦% નો કડાકો છતાં સરકાર કડક: ૧૫ સપ્ટેમ્બરથી નવી મર્યાદા લાગુ થશે; દેશભરમાં મિલો અને ડીલરોના સ્ટોકની ભૌતિક ચકાસણી માટે દરોડા ચાલુ રહેશે

નવી દિલ્હી, તા.૦૧: આગામી તહેવારોની મોસમમાં દેશભરના સામાન્ય ગ્રાહકોને વાજબી ભાવે ખાંડ મળી રહે અને સંગ્રહખોરી તેમજ સટ્ટાકીય વેપારને ડામી શકાય તે માટે કેન્દ્ર સરકારે મંગળવારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા દેશભરના ખાંડ ડીલરો અને વેપારીઓ માટે સ્ટોક હોલ્ડિંગ મર્યાદા ૪,૦૦૦ ક્વિન્ટલથી ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

સરકારનો આ નવો આદેશ ૧૫ સપ્ટેમ્બરથી લઈને ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી દેશભરમાં અમલમાં રહેશે. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ થી અમલી ૪,૦૦૦ ક્વિન્ટલની મર્યાદાને હવે વધુ અડધી કરી દેવામાં આવી છે.


નિયમમાં ફેરફાર અને કોલકાતાને ખાસ છૂટછાટ
•    ૩૦ દિવસની સમયમર્યાદા: નવી મર્યાદા મુજબ, કોઈપણ ખાંડના વેપારી કે ડીલર સ્ટોક મળ્યાની તારીખથી ૩૦ દિવસથી વધુ સમય માટે ખાંડ પોતાની પાસે રાખી શકશે નહીં અને કોઈપણ સમયે ૨,૦૦૦ ક્વિન્ટલથી વધુ જથ્થો સંગ્રહ કરી શકશે નહીં.

•    કોલકાતા માટે અપવાદ: પૂર્વ ભારત અને ઉત્તર-પૂર્વીય રાજ્યોને સપ્લાય સુચારુ રહે તે માટે કોલકાતા અને તેના મેટ્રોપોલિટન વિસ્તાર માટે જૂની ૪,૦૦૦ ક્વિન્ટલની મર્યાદા જ જાળવી રાખવામાં આવી છે, કારણ કે કોલકાતા યુપી અને મહારાષ્ટ્રથી જથ્થો મંગાવીને પૂર્વ ભારતમાં સપ્લાય કરે છે.

દરોડા અને તપાસ બાદ એક્સ-મિલ ભાવમાં ૨૦% નો ઘટાડો
સરકારના નિવેદન મુજબ, દેશભરની ખાંડ મિલો, ડીલરો અને મોટા વેપારીઓના ગોડાઉનમાં ભૌતિક તપાસ (Physical Verification) અને કડક દેખરેખ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મોટા પાયે બિન-જાહેરાત, સ્ટોકની અનિયમિતતા અને મર્યાદાથી વધુ સંગ્રહખોરીના કિસ્સાઓ પકડાયા હતા.

સરકારી કાર્યવાહીના પરિણામે તાજેતરના દિવસોમાં ખાંડના એક્સ-મિલ (Ex-mill) ભાવમાં આશરે ૨૦% નો કડાકો નોંધાયો છે અને હવે છૂટક બજારમાં પણ ભાવ ઝડપથી ઘટી રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગામી સપ્તાહોમાં પણ દેશભરમાં દરોડા અને ભૌતિક ચકાસણીનું અભિયાન સતત ચાલુ જ રહેશે.

(4:17 PM IST)