News of Tuesday, 1st September 2026
કાશી વિશ્વનાથ મંદિરમાં થ્રી-લેયર સુરક્ષા ભેદીને મોટો ભંગ: સ્માર્ટ ગ્લાસ પહેરીને ગર્ભગૃહ સુધી પહોંચ્યો યુવક; મેટા AI કેમેરાથી રેકોર્ડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ!
મંદિરમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર સખત પ્રતિબંધ છતાં સનગ્લાસમાં કેમેરા છુપાવી જલાભિષેક રેકોર્ડ કર્યો; વીડિયો ડિલિટ કરે તે પહેલાં થયો વાયરલ, CCTV વડે તપાસ શરૂ

વારાણસી, તા.૦૧: વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરની અત્યંત કડક અને અતિસુરક્ષિત ગણાતી 'થ્રી-લેયર' (ત્રીસ્તરીય) સુરક્ષા વ્યવસ્થાને માત આપીને એક યુવકે મંદિરના ગર્ભગૃહનો વીડિયો રેકોર્ડ કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. મેટલ ડિટેક્ટર, સિક્યોરિટી ગાર્ડ્સ અને સતત દેખરેખ હોવા છતાં આ યુવક સામાન્ય દેખાતા સ્માર્ટ સનગ્લાસ પહેરીને મંદિર પરિસરમાં પ્રવેશ્યો હતો અને ભગવાન શિવના ગર્ભગૃહનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ મંદિરના સુરક્ષા તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મેટા AI કેમેરાવાળા ચશ્માથી કર્યું શૂટિંગ
મળેલી માહિતી મુજબ, આ યુવક મેટા AI કેમેરા ધરાવતા હાઈ-ટેક ચશ્મા પહેરીને ગર્ભગૃહ સુધી પહોંચી ગયો હતો. ત્યાં તેણે જલાભિષેકની ધાર્મિક વિધિ તેમજ સમગ્ર મંદિર પરિસરનો વીડિયો બારીકાઈથી રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદ તેણે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. મામલો ગરમાતાં અને વિવાદ વકરતાં તેણે વીડિયો ડિલિટ કરી નાખ્યો હતો, પરંતુ તે પહેલાં જ આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલમાં લાગેલી આગની જેમ વાયરલ થઈ ચૂક્યો હતો.
પોલીસ અને મંદિર તંત્રમાં દોડધામ: તપાસનો ધમધમાટ
આ વિડિયો વાયરલ થતાં જ મંદિર વહીવટીતંત્ર અને વારાણસી પોલીસ હરકતમાં આવી ગઈ છે.
• CCTV ફૂટેજની તપાસ: મંદિર તંત્ર અને પોલીસે આખા પરિસરના CCTV કેમેરા ચેક કરીને યુવકની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે.
• ચેકિંગ પ્રોટોકોલ કડક કરાશે: ઘટના બાદ હવે મંદિરના તમામ પ્રવેશદ્વારો પર ચેકિંગ અને સિક્યોરિટી પ્રોટોકોલ વધુ આકરા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એસીપી (ACP) દશાશ્વમેધ અતુલ અંજન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયોની સત્યતા તપાસવામાં આવી રહી છે. મંદિર વહીવટીતંત્ર તરફથી લેખિત ફરિયાદ મળતાં જ યુવકની ઓળખ કરી તેની સામે ગુનો નોંધીને આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
