<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

સપ્ટેમ્બરમાં ચોમાસું રડાવશે: ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની IMD ની આગાહી; અલ નીનો આખી ઋતુની રમત બગાડશે!

૨૦૦૯ પછીનું દેશનું સૌથી નબળું ચોમાસું સાબિત થવાની ભીતિ: દેશના ૪૭% જિલ્લાઓમાં આકરો દુષ્કાળ; પૂર્વ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ વણસી

નવી દિલ્હી, તા.૦૧: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશવાસીઓ અને ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કરતી એક મોટી ચેતવણી જારી કરી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના અંતિમ મહિના એટલે કે સપ્ટેમ્બરમાં દેશભરમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની ભયાનક આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલી મજબૂત 'અલ નીનો' (El Niño) ની સ્થિતિ આ વર્ષે ચોમાસાની આખી રમત બગાડી રહી છે. 

IMD ના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ ખુલાસો કર્યો છે કે સપ્ટેમ્બર દરમિયાન ભારતના મોટાભાગના ભાગોમાં વરસાદની ભારે અછત (Deficit) જોવા મળશે. માત્ર પૂર્વ, ઉત્તર-પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક મર્યાદિત વિસ્તારોમાં જ સામાન્ય અથવા સામાન્યથી થોડો વધુ વરસાદ થવાની સંભાવના છે. 

૨૦૦૯ પછીનું સૌથી સૂકું ચોમાસું બનવાની આશંકા

હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં મધ્યમથી મજબૂત અલ નીનો પ્રવર્તી રહ્યો છે અને આગામી દિવસોમાં તે વધુ આક્રમક બનશે. આ ભૌગોલિક ફેરફારને કારણે ચોમાસાના પવનો નબળા પડી રહ્યા છે. 

અત્યાર સુધી ચોમાસાની ઋતુના ત્રણ મહિના પૂરા થવા આવ્યા છે ત્યારે દેશમાં સરેરાશ ૧૩.૮% વરસાદની અછત નોંધાઈ ચૂકી છે. જો સપ્ટેમ્બરમાં પણ આ જ સ્થિતિ રહી તો આખું ચોમાસું લાંબા ગાળાની સરેરાશ (LPA) ના ૯૦% થી નીચે જતું રહેશે, જેનાથી વર્ષ ૨૦૨૬ એ વર્ષ ૨૦૦૯ પછીનું સૌથી નબળું ચોમાસું સાબિત થશે. 

દેશના અડધા જિલ્લાઓ પાણી માટે તરસ્યા!

આ વર્ષે ચોમાસાનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે: 


•    દેશના ૭૪૦ જિલ્લાઓમાંથી ૪૭% ભાગમાં: ભારેથી અતિ ભારે વરસાદની ખાધ (અછત) વર્તાઈ રહી છે. 

•    ઉત્તર-પશ્ચિમ ભારત: ૧૦.૭% વરસાદની અછત. 

•    પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારત: ૨૫.૭% નો મોટો કડાકો. 

•    દક્ષિણ દ્વીપકલ્પ: ૨૪.૨% ની તીવ્ર અછત. 

•    મધ્ય ભારત: માત્ર ૩.૮% ની સામાન્ય અછત સાથે થોડી રાહત રૂપ રહ્યું છે. 

જૂન મહિનામાં સામાન્ય કરતાં ૩৬% ઓછો વરસાદ પડ્યા પછી જુલાઈમાં ૧% નો થોડો સુધારો જોવા મળ્યો હતો. જોકે, ઓગસ્ટ મહિનામાં ફરીથી ૧૬.૩% ની અછત નોંધાતાં ચિંતા બે ગણી થઈ ગઈ હતી. IMD એ સમગ્ર ઋતુ માટે સામાન્યથી ઓછો વરસાદ પડવાની ૮૪% ની સંભાવના વ્યક્ત કરી છે.

(4:12 PM IST)