<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

બેંગકોકની બારમાં હૃદયકંપાવનારી ઘટના: ૬૦,૦૦૦ બાહ્ટનું બિલ ન ચૂકવાતાં ૧૮ વર્ષીય યુવતીનું મુંડન કરી નાખ્યું! કાનૂની કાર્યવાહી કરવાના બદલે સ્ટાફે હાથમાં લીધો કાયદો

નકલી આઈડીથી પ્રવેશ કરી ૨૦૦થી વધુ ડ્રિંક્સનો ઓર્ડર આપવાનો યુવતી પર આરોપ; ૩,૦૦૦ બાહ્ટમાં વાળ ખરીદવાનો 'કરાર' કરાવી બળજબરીથી રેઝર ફેરવવાનો વિવાદ CCTVમાં કેદ

બેંગકોક, તા.૦૧: થાઈલેન્ડની રાજધાની બેંગકોકના એક જાણીતા બારમાં માનવતા શરમાવે તેવી એક અત્યંત ઘૃણાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગભગ ૬૦,૦૦૦ થાઈ બાહ્ટ (આશરે $૧,૮૦૦ અથવા ₹૧.૫ લાખથી વધુ) નું બાર બિલ ન ચૂકવવા બદલ બારના કર્મચારીઓએ એક ૧૮ વર્ષીય યુવતીનું આખું માથું મુંડાવી દીધું હોવાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. 

આ વિવાદિત બનાવ બેંગકોકના પિંકલાઓ વિસ્તારમાં સ્થિત એક બારમાં બન્યો હતો. પોલીસે કાયદાકીય ધોરણે બિલની વસૂલાત કરવાની જગ્યાએ બાર મેનેજમેન્ટ અને સ્ટાફે જાતે જ શિક્ષા આપવાનો માર્ગ અપનાવતા સમગ્ર દેશમાં તેની સામે ભારે વિરોધનો વટોળ ઊભો થયો છે. 

નકલી આઈડી, ૨૦૦થી વધુ ડ્રિંક્સ અને ૬૦ હજારનું બિલ!

મળતી માહિતી મુજબ, ૧૮ વર્ષીય યુવતી ખોટા ઓળખ દસ્તાવેજનો ઉપયોગ કરીને બારમાં પ્રવેશી હતી. ત્યાં તેણે પોતાના ટેબલ પર ૨૦૦થી વધુ પીણાં અને ખોરાકનો ઓર્ડર આપ્યો હતો, જેથી બિલ આશરે ૬૦,૦૦૦ બાહ્ટ થઈ ગયું હતું. જ્યારે તેણે પૈસા ચૂકવ્યા વગર જ બારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, ત્યારે કર્મચારીઓએ તેને ઝડપી લીધી હતી. બાર સ્ટાફનો દાવો હતો કે યુવતી અગાઉ પણ અન્ય સ્થળોએ અને TikTok વીડિયોના ચક્કરમાં બિલ ચૂકવ્યા વિના ભાગી જવાની ઘટનાઓમાં સામેલ રહી છે. 

પોલીસને બોલાવવાના બદલે બનાવ્યો 'વાળ ખરીદી કરાર'

આ વિવાદમાં સૌથી વધુ શરમજનક બાબત એ રહી કે બારે પોલીસને જાણ કરવાના બદલે યુવતી પાસે કાગળ પર "વાળ ખરીદી કરાર" (Hair Purchase Agreement) પર સહી કરાવી લીધી. બાર સ્ટાફે તેના સુંદર કાળા વાળની કિંમત માત્ર ૩,૦૦૦ બાહ્ટ ગણીને તેને બાકી બિલ સામે જમા કરી દીધી! 

વાયરલ વીડિયો ફૂટેજમાં દેખાય છે કે સફેદ ડ્રેસમાં બેઠેલી યુવતીના ખભા સુધીના વાળ પર એક બારટેન્ડર ઇલેક્ટ્રિક રેઝર ફેરવીને તેનું આખું માથું મુંડન કરી રહ્યો છે. કેમેરા પાછળ ઊભેલો એક પુરુષ એવું કહેતો સાંભળવા મળે છે કે, "હું તમારો અયોગ્ય ફાયદો નથી ઉઠાવી રહ્યો, આ બજાર ભાવ છે." બારે એવો દાવો પણ કર્યો હતો કે આ વાળ કોઈ કર્મચારીને દાન કરવા માટે કાપવામાં આવ્યા હતા. 

દબાણ અને હિંસાની ધમકીનો આરોપ; ઇન્ટરનેટ બે જૂથોમાં વહેંચાયું

ઘટના બાદ યુવતીએ પોલીસ સમક્ષ આરોપ લગાવ્યો છે કે તેની પાસે બળજબરીથી અને હિંસાની ધમકી આપીને કરાર પર સહી કરાવવામાં આવી હતી અને તે મુંડન માટે બિલકુલ સંમત નહોતી. તેના પરિવારે પણ આ કૃત્યનો સખત વિરોધ કર્યો છે. થાઈલેન્ડની સામાજિક કલ્યાણ સંસ્થાઓ અને માનવાધિકાર કાર્યકરોએ સવાલ ઉઠાવ્યો છે કે બાર સ્ટાફે પોલીસને બોલાવવાને બદલે પોતાના હાથમાં કાયદો કેમ લીધો? 

હાલ થાઈલેન્ડનું સામાજિક વિકાસ અને માનવ સુરક્ષા મંત્રાલય આ મામલે કાનૂની તપાસ ચલાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટના અંગે વિભાજિત થયા છે; કેટલાક લોકો બિલ ના ચૂકવવા બદલ યુવતીને લાઈન પર લાવવાની વાત કરી રહ્યા છે, તો મોટા ભાગના લોકો બાર સ્ટાફના આ અમાનવીય અને ઘાતકી વર્તનની સખત શબ્દોમાં નિંદા કરી રહ્યા છે.

(4:00 PM IST)