<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘નાગરિક ભાગીદારી દ્વારા સુશાસન’ના મંત્રને સાકાર કરવા ગુજરાતમાં ‘રિફૉર્મ ઉત્સવ’ ઉજવાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પહેલ

૨ ઓક્ટોબર ગાંધી જયંતીથી ૨૫ ડિસેમ્બર અટલ બિહારી વાજપાયી જયંતી સુધી આયોજન : મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની સમિતિની રચના અને કલેક્ટરોના નેતૃત્વમાં જિલ્લા સમિતિઓ કાર્યરત કરાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘નાગરિક ભાગીદારી દ્વારા સુશાસન’ના વિચાર મંત્રને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને વહીવટી સુધારાલક્ષી પહેલ કરી છે. જે અંતર્ગત ભારત સરકારની સાથે ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યભરમાં ૨ ઑક્ટોબર ગાંધી જયંતીથી ૨૫ ડિસેમ્બર અટલ બિહારી વાજપાયી જયંતી સુધી ‘રિફૉર્મ ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકો પાસેથી મળતી રજૂઆતો અને સૂચનોના આધારે પદ્ધતિગત વહીવટી સુધારાઓ ઓળખી, તેમનું વર્ગીકરણ કરીને સમયબદ્ધ રીતે અમલ કરવાનો છે.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વહીવટી સુધારણા માટે અગાઉ ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ (GARC) ની રચના કરી છે. આ જ દિશામાં યોજાનારો ‘રિફૉર્મ ઉત્સવ’ માત્ર રજૂઆત કે ફરિયાદ નિવારણ પૂરતો સીમિત ન રહેતાં, નાગરિકોના સૂચનોને વ્યવસ્થિત કાર્યાત્મક સુધારામાં પરિવર્તિત કરવાનો પ્રયાસ બનશે.

 

રાજ્ય અને જિલ્લા કક્ષાએ મજબૂત અમલીકરણ વ્યવસ્થા:

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અભિયાનના આયોજન અને દેખરેખ માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવો સભ્ય તરીકે રહેશે. સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ (વહિવટી સુધારણા અને તાલીમ પ્રભાગ) ને રાજ્ય કક્ષાના નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે.

 

જિલ્લા સ્તરે કલેક્ટરની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારીની સહ-અધ્યક્ષતામાં સમિતિઓ રચાઈ છે, જેમાં નિવાસી અધિક કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સામેલ છે. ‘રિફૉર્મ ઉત્સવ પોર્ટલ’ મારફતે મળેલા સૂચનો અને તેની અમલવારીની સ્થિતિ લાઈવ જોઈ શકાશે.

 

૨ ઑક્ટોબરથી ‘જન મંથન’ અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ:

ગાંધી જયંતીથી અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થશે, જેમાં દરેક પંચાયતમાં ‘જન મંથન સભા’ યોજાશે. MY Bharat વોલન્ટિયર્સ અને Common Service Centre દ્વારા હેલ્પ ડેસ્ક ઊભા કરી નાગરિકોના સૂચનો મેળવાશે. ઑક્ટોબર દરમિયાન વૉર્ડ સભા, જનસભા, રેલી, વૉકેથોન, સાયકલ-બાઇક રેલી, શેરી નાટક, કેમ્પસ આઉટરીચ, મહિલા સ્વસહાય જૂથો, FPOs, વેપારી મંડળો અને ઔદ્યોગિક એકમોમાં જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાશે. આશા, ANM અને આંગણવાડી કાર્યકરો ઘર-ઘર સંપર્ક કરશે.

 

ત્રણ તબક્કામાં સુધારાની પ્રક્રિયા:

 

પ્રથમ તબક્કો (‘જન મંથન’): ૨ થી ૩૧ ઑક્ટોબર સુધી નાગરિકોના સૂચનો એકત્રિત કરાશે.

બીજો તબક્કો (‘વિમર્શ’): ૧૦ ઑક્ટોબરથી ૩૦ નવેમ્બર દરમિયાન વિભાગો સૂચનોનું વિશ્લેષણ કરી તેને ‘ક્વિક વિન્સ’ અને ‘મધ્યમ ગાળાના સુધારા’માં વર્ગીકૃત કરશે.

ત્રીજો તબક્કો (‘જન સમાધાન’): ૧૦ ઑક્ટોબરથી ૨૦ ડિસેમ્બર સુધી ‘ક્વિક વિન્સ’નો અમલ થશે અને મધ્યમ ગાળાના સુધારા માટેનો રોડમેપ પોર્ટલ પર મૂકી અમલીકરણ શરૂ કરાશે.

 

દરેક રજૂઆતને આપમેળે ‘રિફૉર્મ’ ગણવાને બદલે પાંચ ચોક્કસ કસોટીઓના આધારે ચકાસીને જ સુધારા તરીકે સ્વીકારવામાં આવશે. ડિસેમ્બરના અંતમાં ‘સંકલ્પ સિદ્ધિ’ માધ્યમથી સફળ સુધારાઓને ઉજાગર કરવામાં આવશે.

(3:33 PM IST)