<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

SCO સમિટમાં પીએમ મોદીએ જિનપિંગ સાથે મિલાવ્‍યો હાથઃ શરીફને નજરઅંદાજ કર્યા

એક તરફ ચીનના રાષ્‍ટ્રપતિ સાથે મૈત્રીપૂર્ણ સંવાદ, તો બીજી તરફ પાકિસ્‍તાની પીએમની ઉપેક્ષાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

 

 

કિર્ગિસ્‍તાન, તા.૧: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની ૨૬મી સમિટ દરમિયાન કિર્ગિસ્‍તાનની રાજધાની બિશ્‍કેક ખાતે વૈશ્વિક રાજકારણના કેટલાક રસપ્રદ દ્રશ્‍યો સામે આવ્‍યા છે. ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આ મહાસંમેલન દરમિયાન ચીનના રાષ્‍ટ્રપતિ શી જિનપિંગ સાથે હસતા મુખે હાથ મિલાવ્‍યા હતા અને ચાલતા ચાલતા ટૂંકી વાતચીત પણ કરી હતી. આ સમિટમાં રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્‍ટ્રપતિ સહિતના વૈશ્વિક નેતાઓ એક જ મંચ પર ઉપસ્‍થિત રહ્યા હતા, જ્‍યાં પીએમ મોદીએ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી યુક્રેન યુદ્ધ મામલે માનવતાના હિતમાં યુદ્ધનો અંત લાવવા પર ભાર મૂકયો હતો.

આ બેઠક દરમિયાન સૌથી મોટું આકર્ષણ એ રહ્યું કે, જ્‍યારે તમામ દેશોના રાષ્‍ટ્રપતિઓ અને વડાપ્રધાનો એકસાથે ગ્રૂપ ફોટો માટે પોઝ આપી રહ્યા હતા, ત્‍યારે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્‍ચે હૂંફાળું વાતાવરણ જોવા મળ્‍યું હતું. બંને દિગ્‍ગજ નેતાઓએ માત્ર સ્‍વાગત જ નહોતું કર્યું પરંતુ એકબીજાના ખબરઅંતર પણ પૂછયા હતા. આ સમૂહમાં રશિયન રાષ્‍ટ્રપતિ પુતિન અને પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ આસપાસ જ હાજર હતા, પરંતુ પીએમ મોદીએ પોતાની બાજુમાં કે નજીકમાં ઉભેલા પાકિસ્‍તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફ જોવાનું પણ ટાળ્‍યું હતું.

આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્‍પષ્ટ જોઈ શકાય છે કે વૈશ્વિક મંચ પર ભારતના વધતા કદ અને કૂટનીતિક રણનીતિ સામે પાકિસ્‍તાની નેતળત્‍વ કઈ સ્‍થિતિમાં મુકાઈ ગયું હતું. પીએમ મોદી દ્વારા શાહબાઝ શરીફને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવાની આ શૈલીએ આંતરરાષ્‍ટ્રીય રાજકારણના વિશ્‍લેષકોનું ધ્‍યાન ખેંચ્‍યું છે અને આ ક્ષણ વૈશ્વિક મીડિયામાં ચર્ચાનો મુખ્‍ય વિષય બની રહી છે.

(3:02 PM IST)