<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ત્રાસવાદ મામલે મોદીએ પાકિસ્‍તાનને ધોયું

SCO સમિટમાં શાહબાઝ શરીફની હાજરીમાં પીએમ મોદીએ પહલગામનો કર્યો ઉલ્લેખઃ ટેરર ફંડિગ બંધ કરવું જ પડશે : આતંકવાદ પર ડબલ સ્‍ટાન્‍ડર્ડ નહી ચાલેઃ આતંકવાદની ઈકોસિસ્‍ટમનો ખાત્‍મો બોલાવવા હાકલઃ આતંકવાદ સામે એકજુથ થવા અનુરોધ

કિર્ગિસ્‍તાન, તા.૧: કિર્ગિસ્‍તાન ખાતે યોજાયેલી ૨૬મી SCO સમિટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ આંતરરાષ્‍ટ્રીય મંચ પરથી પાડોશી દેશ પાકિસ્‍તાનને આડે હાથ લેતા કડક શબ્‍દોમાં ઠપકો આપ્‍યો હતો. પીએમ મોદીએ પાકિસ્‍તાનનું નામ લીધા વિના સ્‍પષ્ટપણે જણાવ્‍યું હતું કે જે દેશો આતંકવાદને પોતાની નીતિનું સાધન બનાવે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે, તેમને એવો કડક સંદેશ મળવો જોઈએ કે આતંકવાદ કયારેય કોઈનું વ્‍યૂહાત્‍મક હથિયાર બની શકે નહીં. આતંકવાદ સામેના બેવડા ધોરણો સામે સખત વાંધો ઉઠાવતા તેમણે ઉમેર્યું હતું કે માત્ર પ્રતિક્રિયા આપવાને બદલે આતંકવાદી ભંડોળ, કટ્ટરપંથીકરણ અને સલામત આશ્રયસ્‍થાનો સહિતની આખી ઇકોસિસ્‍ટમને જડમૂળથી ઉખડી ફેંકવી અનિવાર્ય છે. ત્રાસવાદ મામલે પીએમ મોદીએ શાહબાઝ શરીફની હાજરીમાં પહેલગામનો ઉલ્લેખ કરીને પાકિસ્‍તાનને ધોય નાખ્‍યું છે.

વૈશ્વિક કનેક્‍ટિવિટી અને પ્રાદેશિક સુરક્ષા મુદ્દે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્‍યું હતું કે ભારત હંમેશાં વેપાર અને બજારોના વિસ્‍તરણને સમર્થન આપે છે, પરંતુ આવા તમામ પ્રયાસો દરેક દેશની સાર્વભૌમત્‍વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્‍માન કરતા હોવા જોઈએ. પヘમિ એશિયાની કટોકટીનું ઉદાહરણ આપતા તેમણે ચેતવણી આપી હતી કે વર્તમાન સમયમાં કોઈપણ ક્ષેત્રનો સંઘર્ષ માત્ર ત્‍યાં સુધી સીમિત રહેતો નથી, પરંતુ તે સીધી રીતે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર અને પુરવઠા શળંખલાઓને પણ ગંભીર અસર પહોંચાડે છે.

આગળ વાત કરતા તેમણે એ વાત પર પણ ભાર મૂકયો હતો કે SCO સહયોગનો સૌથી મોટો સ્‍તંભ તક છે, જેનો અર્થ એ છે કે સંસ્‍થાકીય સહયોગના પ્રત્‍યક્ષ ફાયદા સીધા સામાન્‍ય જનતા સુધી પહોંચવા જોઈએ. લોકો-થી-લોકોના ગાઢ સંબંધો ભારતની સૌથી મોટી તાકાત છે અને આ સંગઠન મહાન સભ્‍યતાઓ, સંસ્‍કળતિઓ તથા વિચારોનો અદભુત સંગમ છે, જેને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

દેશના આર્થિક મોરચે તાજેતરમાં સામે આવેલા ઉત્‍સાહજનક ડેટાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ વિપક્ષી નેતાઓ અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વિકાસ દર ૭.૮ ટકા સુધી પહોંચવા છતાં કેટલાક રાજકીય લોકો દ્વારા દેશમાં સતત જૂઠાણાનો પડઘો ફેલાવવામાં આવી રહ્યો હોવાનું તેમણે જણાવ્‍યું હતું. દેશ તમામ વૈશ્વિક મુશ્‍કેલીઓ વચ્‍ચે પણ મજબૂત આર્થિક પ્રગતિ કરી રહ્યો છે ત્‍યારે વિપક્ષી નેતાઓના આવા નિવેદનો માત્ર જનતામાં ભ્રમ ફેલાવવાનો નિષ્‍ફળ પ્રયાસ હોવાનું કહીને તેમણે આકરી ટીકા કરી હતી.

(2:36 PM IST)