<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

હેગસેથનું રાજીનામું: અમેરિકી સેનામાં ખળભળાટ : ટ્રમ્પને સીધી ફરિયાદ કર્યા બાદ આર્મી સેક્રેટરી ડેન ડ્રિસ્કોલે પણ અચાનક રાજીનામું ધરી દીધું

જનરલોની હકાલપટ્ટીથી સેનાનું આધુનિકીકરણ ખોરવાયું હોવાની ફરિયાદઃ ડ્રિસ્કોલની વાત સાંભળી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આશ્ચર્યમાં મુકાયા હોવાનો દાવો

વોશિંગ્ટન, તા. ૧ : અમેરિકી આર્મીના સેક્રેટરી ડેન ડ્રિસ્કોલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનું રાજીનામું સોંપતાં પેન્ટાગોનના ટોચના નેતૃત્વમાં ચાલી રહેલો આંતરિક સંઘર્ષ ફરી સપાટી પર આવ્યો છે. વ્હાઇટ હાઉસે સોમવાર, તા. ૩૧ ઑગસ્ટે ડ્રિસ્કોલની વિદાયની પુષ્ટિ કરી હતી.

તાજા અહેવાલ મુજબ રાજીનામું આપતાં પહેલાં ગયા અઠવાડિયે ડ્રિસ્કોલે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે બંધબારણે બેઠક કરી હતી. વાતચીતથી પરિચિત ચાર વ્યક્તિઓને ટાંકીને જણાવાયું છે કે ડ્રિસ્કોલે રક્ષા મંત્રી પીટ હેગસેથ હેઠળ અમેરિકી આર્મીના ભવિષ્ય અંગે પોતાની ગંભીર ચિંતા સીધી રાષ્ટ્રપતિ સમક્ષ મૂકી હતી.

એક સૂત્રના જણાવ્યા મુજબ ડ્રિસ્કોલે ટ્રમ્પને સંખ્યાબંધ જનરલો અને અન્ય ઉચ્ચ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા, બહાર જવા મજબૂર કરાયા અથવા બઢતીથી વંચિત રાખવામાં આવ્યા તેની જાણ કરતાં ટ્રમ્પ આશ્ચર્યચકિત થયા હતા.

ડ્રિસ્કોલે એવી ચિંતા વ્યક્ત કરી હોવાનું જણાવાય છે કે મહત્વના અનુભવી અધિકારીઓની સતત વિદાયને કારણે આર્મીને જરૂરી આધુનિકીકરણ અને પરિવર્તન ઝડપથી આગળ વધારવું મુશ્કેલ બન્યું છે. ત્યારબાદ તેમણે ટ્રમ્પને પોતે પેન્ટાગોન છોડવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

ડ્રિસ્કોલના પ્રવક્તાએ આ ખાનગી વાતચીત અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તેમના રાજીનામાથી પરિચિત વ્યક્તિએ જણાવ્યું કે આર્મીની યુદ્ધસજ્જતા અને પરિવર્તન યોજનાઓમાં અવરોધ અંગે તેમણે સરકાર સમક્ષ અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી.

વ્હાઇટ હાઉસે જોકે ડ્રિસ્કોલના કાર્યકાળની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે તેમણે આર્મીની યુદ્ધસજ્જતા મજબૂત કરવામાં અને ઐતિહાસિક લશ્કરી કામગીરી દરમિયાન અસરકારક નેતૃત્વ આપ્યું હતું. રાજીનામાનું સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

પેન્ટાગોનમાં આંતરિક તણાવ ચરમસીમાએ: ટોચના અધિકારીઓની વિદાય વચ્ચે અમેરિકી આર્મીના નેતૃત્વ અને યુદ્ધસજ્જતા અંગે ઊભા થયા ગંભીર સવાલો

(10:57 AM IST)