<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

અણ્ણા હજારેની તબિયત નાજુક: બોમ્બે હોસ્પિટલના ICUમાં દાખલ

ગંભીર વાયરલ ઈન્ફેક્શન અને ડિહાઈડ્રેશનનો ભોગ બનતા મુંબઈ ખસેડાયા: ડોક્ટરોની નિષ્ણાત ટીમ દ્વારા સતત મોનિટરિંગ

મુંબઈ :  ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના પ્રણેતા અને દેશના જાણીતા સામાજિક કાર્યકર અણ્ણા હજારેની તબિયત અચાનક લથડતાં સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ૮૭ વર્ષીય અણ્ણા હજારેને ગંભીર વાયરલ ઇન્ફેક્શન અને તીવ્ર ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવું)ની ફરિયાદ બાદ મુંબઈની પ્રખ્યાત બોમ્બે હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ તેમને તાત્કાલિક વિશેષ તબીબી દેખરેખ હેઠળ રાખ્યા છે.

શરૂઆતમાં અણ્ણા હજારેની તેમના વતન અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામ નજીકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ન થતાં અને તબિયત વધુ નાજુક બનતાં તેમને ઉચ્ચ તબીબી સુવિધાઓ માટે તાત્કાલિક મુંબઈ ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. હાલ બોમ્બે હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડૉ. ગૌતમ ભણસાલી અને તેમની નિષ્ણાત ડૉક્ટરોની ટીમ અણ્ણા હજારેની સારવાર કરી રહી છે અને તેમના દરેક હેલ્થ પેરામીટર પર ક્ષણે-ક્ષણની નજર રાખી રહી છે.

તબીબોના જણાવ્યા અનુસાર, વયોવૃદ્ધ વય અને ડિહાઇડ્રેશનને કારણે તેમના શરીરમાં નબળાઈ વધારે જોવા મળી રહી છે, પરંતુ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ એન્ટિબાયોટિક્સ અને સપોર્ટિવ કેર આપવામાં આવી રહી છે. અણ્ણા હજારેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર વાયરલ થતાં જ તેમના હજારો સમર્થકો અને રાજકીય નેતાઓ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસન ટૂંક સમયમાં જ તેમનું તાજું મેડિકલ બુલેટિન જાહેર કરી શકે છે.

(10:17 PM IST)