News of Monday, 31st August 2026
નેપાળ-ચીન સરહદે ભૂસ્ખલનમાં ફસાયા બાદ સુરક્ષિત મુંબઈ પરત ફરી અભિનેત્રી માનસી પારેખ:દીકરી નીર્વીને ભેટી ચોધાર આંસુએ રડી પડી
નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી માનસી પારેખ કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન નેપાળ-ચીન સરહદે ભૂસ્ખલનમાં ફસાયા બાદ સુરક્ષિત મુંબઈ પરત ફરી:મુંબઈ એરપોર્ટ પર પતિ પાર્થિવ ગોહિલ અને દીકરી નિર્વી સાથે તેનું અત્યંત ભાવુક મિલન થયું

નેપાળ અને ચીનની સરહદ પર પૂર અને ભૂસ્ખલનના કારણે સર્જાયેલી કુદરતી હોનારતમાં કૈલાશ માનસરોવર યાત્રા એ ગયેલા અનેક યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. આ કપરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતી સિનેમાની જાણીતી અને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી માનસી પારેખ પણ ત્યાં અટવાઈ ગઈ હતી. જોકે, તમામ મુશ્કેલીઓ પાર કરીને તે સુરક્ષિત રીતે મુંબઈ પરત ફરી છે.
માનસી પારેખ મુંબઈ એરપોર્ટ પર ઉતરી ત્યારે તેનું સ્વાગત કરવા માટે પતિ પાર્થિવ ગોહિલ અને દીકરી નિર્વી હાજર હતા. માતાને સુરક્ષિત સામે જોઈને દીકરી દોડીને તેને વળગી પડી હતી. માનસી પણ પોતાની વ્હાલસોયી દીકરીને ગળે લગાવીને રડી પડી હતી. બંને વચ્ચેનું આ ભાવુક મિલન જોઈ ત્યાં હાજર લોકો પણ ગદગદિત થઈ ગયા હતા. પાર્થિવ ગોહિલે ફૂલોની માળા પહેરાવી માનસીનું સ્વાગત કર્યું હતું અને રાહતનો શ્વાસ લીધો હતો.
ઘરવાપસી બાદ માનસી પારેખે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને સમગ્ર આપવીતી જણાવી હતી. તેણે જણાવ્યું કે, છેલ્લા 3 થી 4 દિવસ તેના માટે અત્યંત મુશ્કેલ અને ભાવનાત્મક રહ્યા હતા. ચીનના ન્યાલમમાં ભારે લેન્ડસ્લાઈડ થતાં યાત્રાળુઓને લગભગ 4 કલાક સુધી બસમાં જ બેસી રહેવું પડ્યું હતું. ત્યારબાદ આશરે 40 માઈલ લાંબી મુસાફરી ખેડીને તેઓ નેપાળ સરહદ પહોંચ્યા હતા.
નેપાળ સરહદે પણ રસ્તો બંધ હોવાથી યાત્રાળુઓએ પગપાળા ચાલીને બીજી તરફ ઊભેલી બસો સુધી પહોંચવું પડ્યું હતું. ત્યાંથી 4 કલાકની ભારે ખાડાટેકરા વાળી મુસાફરી કરી તેઓ કાઠમંડુ પહોંચ્યા હતા. માનસી પારેખ સદગુરુના ઈશા ફાઉન્ડેશન સાથે કૈલાશ માનસરોવર યાત્રા પર ગઈ હતી. તેણે તમામ શુભેચ્છકો અને ચાહકોનો પ્રાર્થનાઓ બદલ આભાર માન્યો હતો.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
