News of Monday, 31st August 2026
મુકેશ ખન્નાનો ધડાકો: "વિદ્યાર્થી આંદોલનની પાછળ વિદેશી ષડયંત્ર અને કરોડોનું ફંડિંગ!"
NEET પેપર લીક અને CJP આંદોલન પર વિદેશી હસ્તક્ષેપ તથા હિંસા ભડકાવવાનો સરાસરી આરોપ લગાવીને દેશભરમાં મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઉભો કર્યો

અમદાવાદ : ટીવી સિરિયલ 'શક્તિમાન' અને 'મહાભારત'માં ભીષ્મ પિતામહનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા જેષ્ઠ અભિનેતા મુકેશ ખન્નાએ દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનોને લઈને એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને NEET પેપર લીકના નામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો માત્ર વિદ્યાર્થીઓની માંગ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ આંદોલનને વિદેશથી મોટું ભંડોળ (ફંડિંગ) પૂરું પાડવામાં આવી રહ્યું છે. ખન્નાના મતે, દેશમાં અરાજકતા ફેલાવવા અને સરકારને અસ્થિર કરવાના મોટા કાવતરાના ભાગરૂપે બહારના અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને આંદોલનમાં ઘૂસણખોરી કરી લીધી છે.
મુકેશ ખન્નાએ સ્પષ્ટ કર્યું કે પેપર લીક થવું એ ગંભીર બાબત છે અને તેની તપાસ થઈને દોષિતોને સજા થવી જ જોઈએ. તેમણે સ્વીકાર્યું કે તેમના સમયમાં પણ કાયદાની કોલેજોમાં પેપર લીક થતા હતા, તેથી સિસ્ટમ સામે સવાલો ઉઠવા સ્વાભાવિક છે. પરંતુ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શાંતિપૂર્ણ વિરોધના નામે પોલીસ પર હુમલા કરવા અને 200થી વધુ સુરક્ષાકર્મીઓને ઘાયલ કરવા એ વિદ્યાર્થીઓનું કામ ન હોઈ શકે. ખન્નાએ દાવો કર્યો કે લદ્દાખ અને નેપાળની જેમ ભારતના યુવાનોને ભડકાવીને તેમની કાંધ પરથી રાજકીય બંદૂક ફોડવામાં આવી રહી છે.
અભિનેતાએ આંદોલનમાં જોડાનારા વિદ્યાર્થીઓ અને આજની પીઢીને ચેતવણી આપતા કહ્યું કે, જો તેઓ આ પ્રકારના વિદેશી પ્રેરિત ષડયંત્રો અને હિંસક પ્રવૃત્તિઓમાં હોમાશે તો તેમનું ભવિષ્ય બરબાદ થઈ જશે. ભવિષ્યમાં નોકરીઓ મળવામાં અને પાસપોર્ટ-વીઝા મેળવવામાં મોટી કાનૂની અડચણો આવી શકે છે. મુકેશ ખન્નાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારામાં ભારે ગરમાવો આવી ગયો છે; એક વર્ગ તેમના સમર્થનમાં આવ્યો છે તો બીજો વર્ગ વિદ્યાર્થીઓની ન્યાયી માંગને ડામવાનો પ્રયાસ ગણાવી રહ્યો છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
