News of Monday, 31st August 2026
દિલ્હી સીજેપી વિરોધ પ્રદર્શન કેસમાં મોટા કાનૂની વળાંક વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: ૧૩ એફઆઈઆર રદ કરવા દિલ્હી પોલીસ પહોંચી શિખર અદાલત, પરંતુ ૨,૮૭૩ સામે કડક કાર્યવાહીની તૈયારી!
બંધારણની કલમ ૧૪૨ નો ઉપયોગ કરી કેસો રદ કરવા સોલિસિટર જનરલે કરી તાકીદની રજૂઆત: હિંસા અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો ગુનાહિત રેકોર્ડ ધરાવતા ૨,૮૭૩ લોકો સામે નવી એફઆઈઆર નોંધવા માગી પરવાનગી

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં જુલાઈ માસ દરમિયાન યોજાયેલા વિવાદિત સીજેપી (CJP) વિરોધ પ્રદર્શન સંબંધિત કાનૂની કાર્યવાહીમાં એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કેન્દ્ર સરકારના નિર્દેશો અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીને વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી ૧૩ એફઆઈઆર (FIR) પર વધુ કાર્યવાહી ન કરવાની અને તેને રદ કરવાની વિનંતી કરી છે. જાકે, હિંસક પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાહિત ભૂતકાળ ધરાવતા ૨,૮૭૩ ઉપદ્રવીઓ સામે કાયદાનો સરિયો વિંઝવા નવી એફઆઈઆર દાખલ કરવાની માંગ પણ સશક્ત રીતે કરી છે.
કલમ ૧૪૨ હેઠળ તાકીદની સૂર્યકાંત બેન્ચ સમક્ષ રજૂઆત
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી પીઠ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ બાબતે વચગાળાની અરજી રજૂ કરી હતી. તેમણે બંધારણની કલમ ૧૪૨ નો ઉપયોગ કરીને ૧૩ કેસો રદ કરવાની માંગ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ૨૫ જુલાઈના નિર્ણય મુજબ સામાન્ય પ્રદર્શનકારીઓ પરના આ કેસો આગળ ચલાવવા માગતા નથી. સર્વોચ્ચ અદાલતે બંને પક્ષો વચ્ચેના આ સમાધાનકારી પગલાની નોંધ લઈને મંગળવારે આ અરજી પર વધુ સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે.
૨,૮૭૩ ગંભીર ગુનેગારોને કોઈ જ રાહત નહીં
અરજીમાં દિલ્હી પોલીસે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે વિરોધ સ્થળે હાજર ૨,૮૭૩ લોકો ગંભીર ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. પ્રદર્શન દરમિયાન સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં તેમજ શારીરિક હિંસા આચરવામાં આ લોકોની ચોક્કસ ભૂમિકાની તપાસ કરવી દેશની સુચારુ કાયદો અને વ્યવસ્થા માટે અત્યંત જરૂરી છે. આથી પોલીસે અદાલત સમક્ષ પરવાનગી માગી છે કે આ ૨,૮૭૩ લોકો સામે નવો કેસ નોંધીને તેમની સામે કડક કાનૂની તપાસ હાથ ધરવામાં આવે.
ચોક્કસ તથ્યોના આધારે નિર્ણય, પૂર્વવર્તી નહીં ગણાય
દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય ચોક્કસ સંજોગો અને જાહેર હિતને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ જો આ અરજી મંજૂર કરશે તો પણ તેને અન્ય કેસો માટે પૂર્વવર્તી (Precedent) ગણવામાં આવશે નહીં. રાજધાની દિલ્હીમાં ફરી એકવાર CJP ના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે તેવા સંવેદનશીલ સમયે જ પોલીસનું આ કાનૂની આક્રમક વલણ સામે આવ્યું છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
