<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

વૈશ્વિક બજારમાં ભારતીય ચોખાનો મોટો દબદબો: નવી દિલ્હીમાં યોજાનારી 'BIRC 2026' કોન્ફરન્સ માટે ૧૩૮ દેશોના ૩,૦૦૦થી વધુ ખરીદદારો ઉમટ્યા!

આગામી ૨૩ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાશે વૈશ્વિક પરિસંવાદ: બાંગ્લાદેશ, નાઇજીરિયા, UAE સહિત આફ્રિકન અને અખાતી દેશોના બાયર્સે કરાવ્યું ભવ્ય રજિસ્ટ્રેશન

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે ભારતીય ચોખાની વિવિધ વેરાઈટીઓની માંગ અને આકર્ષણમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી ૨૩ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારી 'ભારત ઈન્ટરનેશનલ રાઈસ કોન્ફરન્સ ૨૦૨૬' (BIRC 2026) માટે વિદેશી ખરીદદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ૩૦મી ઓગસ્ટ સુધીમાં દુનિયાના ૧૩૮ જેટલા દેશોમાંથી ૩,૩૧૭ આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ આ પરિસંવાદમાં ભાગ લેવા માટે સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

 

દુનિયાની નજર ભારતીય ચોખાના વેપાર પર

ઈન્ડિયન રાઈસ એક્સ્પોર્ટર્સ ફેડરેશનના પ્રમુખ દેવ ગર્ગે જણાવ્યું હતું કે, ૧૩૮ દેશોના હજારો ખરીદદારોનું રજિસ્ટ્રેશન એ વાતની સ્પષ્ટ સાબિતી છે કે વૈશ્વિક અનાજ બજાર ચોખાની પૂર્તિ માટે ભારત તરફ મોટી આશાથી જોઈ રહ્યું છે. આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સહભાગિતાને નવા વેપાર માર્ગોમાં રૂપાંતરિત કરવાનો અને ભારતીય નિકાસકારો માટે વિશ્વભરના નવા ખરીદદારો સાથે લાંબા ગાળાના વ્યાપારી સંબંધો પ્રસ્થાપિત કરવાનો છે.

 

બાંગ્લાદેશ, બેનિન અને UAE ના ખરીદદારો આગળ

આ વર્ષે પરિસંવાદમાં ભૌગોલિક સ્તરે વ્યાપક ભાગીદારી જોવા મળી છે. એશિયા, આફ્રિકા, અખાતી દેશો અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોએ નોંધપાત્ર રસ દાખવ્યો છે. દેશવાર આંકડા જોઈએ તો સૌથી વધુ ૩૩૬ ખરીદદારો બાંગ્લાદેશથી નોંધાયા છે. આ ઉપરાંત બેનિનમાંથી ૧૭૯, નાઈજિરિયામાંથી ૧૭૭, યુનાઈટેડ અરબ અમીરાત (UAE) માંથી ૧૪૫, નેપાળ અને ફિલિપાઈન્સમાંથી ૧૩૭-૧૩૭, ઈથોપિયામાંથી ૧૨૭, સાઉદી અરેબિયામાંથી ૧૨૫ અને ઈન્ડોનેશિયા તથા દક્ષિણ આફ્રિકામાંથી ૧૦૯-૧૦૯ ખરીદદારોનું રજિસ્ટ્રેશન થયું છે. સેનેગલ, ઈરાક, ઓસ્ટ્રેલિયા, કેન્યા અને ઘાના જેવા ઊભરતા બજારો પણ જોડાશે.

 

વર્ષ ૨૦૨૭ ના ભાવ અને પુરવઠા પર થશે વિશેષ મંથન

કોન્ફરન્સના એક ખાસ સત્રમાં 'ગ્લોબલ ડિમાન્ડ એન્ડ સપ્લાય આઉટલૂક ૨૦૨૭: પ્રાઈસ ક્રેશ ઓર ન્યૂ બુલ રન?' વિષય પર ગહન ચર્ચા કરવામાં આવશે. જેમાં વિશ્વભરના કૃષિ નિષ્ણાતો પાકના આંકડા, ઉત્પાદન અંદાજો અને વૈશ્વિક માંગ-પુરવઠાને આધારે વર્ષ ૨૦૨૭ માં ચોખાના ભવિષ્યના ભાવ અને વેપારની દિશા અંગે મહત્વપૂર્ણ મંતવ્યો રજૂ કરશે.

(8:07 PM IST)