તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 31st August 2026
નેપાળની ભયાનક પૂર હોનારતનો કરુણ પડછાયો: ભારત-નેપાળ સરહદે બહરાઇચ-નેપાળગંજ રોડ બ્રોડગેજ રેલ લાઇનનું ઉદ્ઘાટન ભવ્ય ઉજવણી વિના સાદગીપૂર્ણ રીતે સંપન્ન!
નેપાળમાં પૂરના વિધ્વંસ અને જાનહાનિને પગલે રેલવે મંત્રી વૈષ્ણવ અને CM યોગી આદિત્યનાથે ટાળ્યો ભવ્ય સમારોહ: ૨ મિનિટનું મૌન પાળી પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઈ, ૪ નવી ટ્રેનો દોડશે

બહરાઇચ : ઉત્તર પ્રદેશના બહરાઇચ અને નેપાળ સરહદને જોડતા અત્યંત મહત્વપૂર્ણ નેપાળગંજ રોડ-બહરાઇચ રેલ વિભાગના બ્રોડગેજ રૂપાંતર અને ઇલેક્ટ્રિફિકેશનનું ઉદ્ઘાટન સોમવારે યોજાઈ ગયું. જોકે, પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને તેના કારણે થયેલી મોટી જાનહાનિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અને રેલવે મંત્રાલયે આ ઉજવણીને અત્યંત સાદગીપૂર્ણ રાખવાનો સંવેદનશીલ નિર્ણય લીધો હતો.
કોઈ ઢોલ-નગારા કે ફુલોનો શણગાર નહીં
સામાન્ય રીતે કોઈપણ નવી રેલ લાઇન કે ટ્રેનના લોન્ચિંગ સમયે વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂલોનો ભવ્ય શણગાર અને લીલી ઝંડી દર્શાવવાનો ભવ્ય સમારોહ યોજાતો હોય છે. પરંતુ નેપાળની માનવ સર્જિત કરૂણાંતિકાને માન આપીને આ વખતે ટ્રેનને શણગાર્યા વિના જ રવાના કરવામાં આવી હતી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાઈને અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોઈ ભૌતિક ધ્વજવંદન વિના જ આ વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.
બે મિનિટનું મૌન પાળી સહાનુભૂતિ વ્યક્ત કરાઈ
કાર્યક્રમના પ્રારંભે નેપાળ પૂરના મૃતકો અને પીડિતો માટે ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, "નેપાળમાં પૂરના કારણે થયેલી જાનહાનિથી ભારત ઘણું દુઃખી છે. ભારત સરકાર નેપાળના પૂર પીડિતો સુધી તમામ શક્ય રાહત સામગ્રી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે." સરહદી વિસ્તારોના ભારતીય રેલવે અધિકારીઓ પણ વિદેશ મંત્રાલય અને સ્થાનિક તંત્ર સાથે મળીને પૂર પ્રભાવિતોની મદદ કરી રહ્યા છે.
અંગ્રેજોના જમાનાની મીટરગેજ લાઇન હવે બ્રોડગેજ થઈ
અંગ્રેજોના સમયથી જ બહરાઇચથી નેપાળગંજ રોડ સુધીનો આ રેલ માર્ગ મીટરગેજ (નાની લાઇન) હતો, જેને બ્રોડગેજ (મોટી લાઇન) માં ફેરવવાની સ્થાનિક લોકોની દાયકાઓ જૂની માંગ હતી. હવે બહરાઇચ, રિસિયા, માટેરા, નાનપરા, બાબાગંજ અને નેપાળગંજ રોડ વચ્ચે આધુનિક બ્રોડગેજ અને ઇલેક્ટ્રિફાઇડ લાઇન પર કુલ ૪ નવી ટ્રેનો ચલાવવામાં આવશે. આ અપગ્રેડેશનથી ભારત અને નેપાળ સરહદે રહેતા લાખો નાગરિકો, વેપારીઓ અને યાત્રાળુઓની અવરજવર અત્યંત સરળ અને ઝડપી બની જશે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
