News of Monday, 31st August 2026
૧૬ વર્ષના છોકરાના પેટમાંથી નીકળ્યા ૨૩ સિક્કા, નેઇલ કટર, ચેઇન અને નટ-બોલ્ટ
ઘરમાંથી અવારનવાર નેઇલ કટર અને ચેઇન જેવી વસ્તુઓ ગાયબ થઈ જતી હતી,

તિરુવન્નામલાઈ તા.૩૧: તામિલનાડુના તિરુવન્નામલાઈની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોએ એક ટીનેજરના પેટમાંથી જાતજાતની ચીજો કાઢી છે. અય્યમપાલયમ ગામના પૃથિક રોશન નામના ૧૬ વર્ષના માનસિક રીતે અક્ષમ ટીનેજરના પેટમાં અસહ્ય દુખાવો અને ઊલટીઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્કેનનો રિપોર્ટ જોતાં જ ડોક્ટરોના હોશ ઊડી ગયા હતા, કારણ કે કિશોરના પેટમાં ધાતુની અનેક અણીદાર વસ્તુઓ જમા થયેલી દેખાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ડોક્ટરોની ટીમે ઇમર્જન્સી ઑપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. સર્જરી દરમ્યાન ડોક્ટરોએ કિશોરના પેટમાંથી ૧૦-૧૦ રૂપિયાના ૨૩ સિક્કા, નેઇલ કટર, ચેઇન, તાવીજ, નટ-બોલ્ટ અને અન્ય કેટલીક ધાતુની વસ્તુઓ સફળતાપૂર્વક બહાર કાઢી હતી. ટીનેજરની મમ્મીનું કહેવું હતું કે ઘરમાંથી અવારનવાર નેઇલ કટર અને ચેઇન જેવી વસ્તુઓ ગાયબ થઈ જતી હતી, પણ તેમને અંદાજ નહોતો કે તેમનો પુત્ર આ વસ્તુઓ ગળી જતો હતો.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
