News of Saturday, 29th August 2026
"પસાર થતી દરેક મિનિટ આશા ઓછી કરી રહી છે": નેપાળ પૂર હોનારતમાં ગુમ ભારતીયો માટે શશી થરૂરનો વિદેશ મંત્રી જયશંકરને ઈમરજન્સી પત્ર; NDRF અને આર્મી તૈનાત કરવા માંગ!
૩૨૦ થી વધુ ભારતીયો અને કૈલાશ માનસરોવરના યાત્રાળુઓ સંપર્કવિહોણા; કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા થર્મલ ઈમેજિંગ, સ્નિફર ડોગ્સ અને વાયુસેનાના હેલિકોપ્ટર્સ મોકલવા સૂચન

નવી દિલ્હી : નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ સર્જાયેલી ભારે તારાજી વચ્ચે ગુમ થયેલા સેંકડો ભારતીય નાગરિકોના જીવ બચાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂરે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને એક અત્યંત મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. થરૂરે ચેતવણી આપતાં જણાવ્યું છે કે કાટમાળ નીચે ફસાયેલા લોકો માટે સમય વિતી રહ્યો છે અને "પસાર થતો દરેક કલાક જીવિત બચવાની આશાની બારીને સાંકડી કરી રહ્યો છે." તેમણે કેન્દ્ર સરકારને બચાવ કામગીરીમાં પૂર્ણ ક્ષમતાથી ઝંપલાવવા વિનંતી કરી છે.
શશી થરૂરે પોતાના પત્રમાં અત્યાર સુધી હાથ ધરાયેલા રાહત કાર્યો અને કૂટનીતિક પ્રયાસોની સરાહના કરી હતી, પરંતુ સાથે જ સ્થિતિની ગંભીરતા દર્શાવતા તાત્કાલિક પગલાં ભરવા સૂચનો કર્યા છે. તેમણે નોંધ્યું કે વિદેશ મંત્રાલયના આંકડા મુજબ ૩૨૦ થી વધુ ભારતીય નાગરિકો અને કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા અનેક યાત્રાળુઓ હાલ સંપર્કવિહોણા છે. ચીન સરહદ નજીકના તિશૂલી, તિગરી, તિમુર અને રાસુવાગઢી જેવા દુર્ગમ વિસ્તારો સુધી હજુ પણ સર્ચ ટીમો પહોંચી શકી નથી, જ્યાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે થરૂરે સૂચવ્યું કે નેપાળ સરકાર સાથે વાતચીત કરીને સંપૂર્ણ NDRF ની ટુકડી, આર્મી એન્જિનિયર્સ ટાસ્ક ફોર્સ અને ભારે મશીનરી મોકલવામાં આવે. સાથે જ રસ્તાઓ બંધ હોવાથી રાસુવા અને નુવાકોટ જેવા પહાડી વિસ્તારોમાં મશીનરી પહોંચાડવા માટે ભારતીય વાયુસેનાના હેવી-લિફ્ટ હેલિકોપ્ટર્સ તૈનાત કરવા જોઈએ. તેમણે કાટમાળ નીચે જીવિત લોકોને શોધવા માટે ગ્રાઉન્ડ-પેનિટ્રેટિંગ રડાર, થર્મલ ઈમેજિંગ કેમેરા અને સ્નિફર ડોગ્સના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
બીજી તરફ, નેપાળ પોલીસ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં ૬૬૯ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ૨,૩૦૧ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. હાલમાં ૪,૮૫૪ થી વધુ બચાવકર્મીઓ આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યમાં જોતરાયેલા છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
