News of Monday, 24th August 2026
દિલ્હી હાઈકોર્ટનું સખત વલણ: લક્ષ્મી યોજનામાં સાંસદ-ધારાસભ્યની મંજૂરી ફરજિયાત કેમ?
દિલ્હી સરકાર દ્વારા મહિલા સહાય યોજનામાં નેતાઓની સિફારિશ અનિવાર્ય બનાવતા વિવાદ સર્જાયો : વરિષ્ઠ ન્યાયાધીશોની બેન્ચે રાજકીય દખલગીરી સામે સવાલ ઉઠાવી 10 દિવસમાં સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લક્ષ્મી યોજનાને લઈને રાજ્ય સરકારની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના દાવા સાથે શરૂ કરાયેલી આ યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને ₹2,500ની સહાય આપવામાં આવે છે. જોકે, આ નાણાકીય મદદ મેળવવા માટે સ્થાનિક સાંસદ અથવા ધારાસભ્ય (MLA)ની મંજૂરી લેવાની શરત ફરજિયાત બનાવવામાં આવતાં બાબત હવે કાનૂની વિવાદમાં સપડાઈ છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે આ અંગે કડક વલણ અપનાવતા સરકાર પાસે જવાબો માંગ્યા છે.
સુનાવણી દરમિયાન બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, યોજનાનો લાભ મેળવવા માટે દરેક સામાન્ય અરજદાર પર નેતાઓની મંજૂરી મેળવવાનું દબાણ શા માટે બનાવવામાં આવ્યું છે? કોર્ટે ટિપ્પણી કરી કે જો સાંસદ કે ધારાસભ્યની સિફારિશ માત્ર એક 'વિકલ્પ' કે સુવિધા તરીકે રાખવામાં આવી હોત તો તે સમજી શકાય તેમ હતું, પરંતુ તેને એકમાત્ર અને ફરજિયાત માર્ગ બનાવી દેવો એ યોગ્ય નથી. આ પ્રકારની શરતથી યોજનાના મૂળ હેતુ સામે શંકા જાગે છે અને આમ જનતાને પોતાના હક માટે રાજકારણીઓના ચક્કર કાપવાની નોબત આવી શકે છે.
આ મામલે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા હાઈકોર્ટે દિલ્હી સરકારને આ શરત પાછળનો તર્ક સમજાવવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે સરકારને આ મુહલતમાં સોગંદનામું (Affidavit) દાખલ કરીને પોતાનો જવાબ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ ચર્ચાસપદ કેસની આગામી સુનાવણી 17 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે, જેમાં સરકારના જવાબના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
