તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 21st August 2026
જયપુરના રામપુરા-કંવરપુરામાં સરકારી શાળાની મુલાકાતે પહોંચેલા CJP કાર્યકર્તાઓ અને ગ્રામજનો વચ્ચે ભારે વિવાદ : આશુતોષ રાંકા અને કાર્યકર્તાઓ પર હુમલો : વાહનોના કાચ તોડાયા
શાળાની જર્જરિત હાલત મુદ્દે વિરોધ કરવા પહોંચેલી કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગ્રામજનોએ ખદેડ્યા : ભાજપના ઈશારે હુમલો થયાનો CJPનો આક્ષેપ : ગ્રામીણો CJP સામે ધરણા પર બેઠા

જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના બગરૂ વિસ્તારમાં આવેલા રામપુરા-કંવરપુરા ગામમાં સ્થિત સરકારી પ્રાથમિક શાળાની કથળતી વ્યવસ્થાઓની તપાસ કરવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકર્તાઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે ભારે હોબાળો મચી ગયો છે. શાળાની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા CJP કાર્યકર્તાઓ સામે ગામ લોકોએ સખત વિરોધ દર્શાવી તેમને ખદેડી મૂક્યા હતા. ત્યારબાદ ગ્રામજનો CJP વિરુદ્ધ ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન CJP નેતા આશુતોષ રાંકા પણ શાળાએ પહોંચ્યા હતા, જ્યાં તેમનો ઉગ્ર વિરોધ થયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું.
જોતજોતામાં સ્થિતિ વણસી ગઈ હતી અને આશુતોષ રાંકા સાથે ધક્કા-મુક્કી બાદ ગ્રામજનોએ CJP કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને પીટવામાં આવ્યા હતા અને તેમના વાહનોના કાચ પણ તોડી ફોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટના અંગે આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો હતો કે આ સરકારી શાળા છેલ્લા ઘણા સમયથી ભેંસોના તબેલા જેવી સ્થિતિમાં ચાલી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમની ટીમ પર હુમલો કરનારા સ્થાનિક ગ્રામજનો નહીં પણ ભાજપના કાર્યકર્તાઓ અને ગુંડાઓ હતા. ભાજપ નથી ઈચ્છતી કે બાળકો સારા વાતાવરણમાં ભણે અને શાળાની સુધારણા માટે પ્રયાસ કરનારાઓ પર હુમલા કરાવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, સ્થાનિક ગ્રામીણોએ CJP કાર્યકર્તાઓની મુલાકાતનો વિરોધ કરતા જણાવ્યું હતું કે શાળાની ઈમારત લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. ગ્રામજન વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું કે તેમના દાદાએ ૧૯૯૯માં શાળા માટે જમીન આપી હતી, પરંતુ ત્યારથી યોગ્ય સમારકામ થયું નથી. હાલ શાળા એટલી જર્જરિત થઈ ગઈ છે કે બાળકો ત્યાં બેસી શકે તેમ નથી, જેના કારણે હાલ બે રૂમમાં ૨૦-૩૦ બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ધારાસભ્ય ડો. કૈલાશ વર્મા દ્વારા ૯ લાખ કે ૧૨ લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હોવાનું આશ્વાસન મળ્યું હોવા છતાં અજી સુધી નિર્માણ કાર્ય શરૂ થયું નથી.
અન્ય એક ગ્રામજન રાજેશ કુમાર શર્માએ CJP પર રાજકીય રોટલા શેકવાનો અને રાજકીય ફાયદો ઉઠાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે ઉમેર્યું કે જો સરકાર શાળાનું નિર્માણ નહીં કરે તો ગ્રામજનો પોતે મળીને શાળા બનાવશે. આ ઉપરાંત ગામમાં આવેલું પોલિંગ બૂથ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દેવા સામે પણ ગ્રામીણોએ વિરોધ નોંધાવ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
