News of Thursday, 20th August 2026
શાળાના પ્રિન્સિપાલની સનસનાટીભરી હત્યાનો પર્દાફાશ: ફોન કટ થાય તે પહેલાં મોંમાંથી નીકળેલા માત્ર 'એક શબ્દ'થી પોલીસે બે સગીર વિદ્યાર્થીઓની કરી ધરપકડ
આઈફોન અને લક્ઝરી લાઈફસ્ટાઈલના ચસકા માટે ૧૦મા ધોરણના વિદ્યાર્થીઓએ ઘડી દર્દનાક યોજના; ૨૭ છરાના ઘા ઝીંકી ₹૨.૫ લાખની લૂંટ ચલાવી હતી

નાલગોંડા : તેલંગાણાના કોંડામલ્લેપલ્લી સ્થિત નાગાર્જુન ગ્રામર કોન્સેપ્ટ સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ કલ્લુ રૂપા રેડ્ડીની નિર્મમ હત્યા કેસમાં પોલીસે અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ૧૧ ઓગસ્ટના રોજ પ્રિન્સિપાલના ઘરે ઘૂસીને ૨૭ જેટલા છરાના ઘા મારીને કરવામાં આવેલી આ હત્યા કોઈ રીઢા ગુનેગારોએ નહીં પરંતુ તેમની જ શાળામાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા બે સગીર વિદ્યાર્થીઓએ અંજામ આપી હતી. પોલીસે બંને સગીર આરોપીઓની અટકાયત કરીને તેમની પાસેથી લોહીના ડાઘાવાળી રૂ. ૧.૫૪ લાખની રોકડ, ચોરાયેલો આઈફોન, હત્યામાં વપરાયેલી છરી અને અન્ય સામાન જપ્ત કર્યો છે.
આ હાઇ-પ્રોફાઇલ કેસનો ઉકેલ લાવવા માટે નાલગોંડાના એસપી શરતચંદ્ર પવારે ૪૦થી વધુ પોલીસ કર્મચારીઓ ધરાવતી પાંચ ખાસ ટીમોની રચના કરી હતી. તપાસકર્તાઓએ ૩૦ કિમીના વિસ્તારમાં આવેલા ૭૦થી વધુ સીસીટીવી કેમેરા અને ૮૦થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. જોકે, આ સમગ્ર કેસમાં સૌથી મોટો વળાંક પ્રિન્સિપાલના અંતિમ શબ્દથી આવ્યો. હત્યા થઈ તે જ ક્ષણે રૂપા રેડ્ડી તેમના કાકી સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને ફોન ડિસ્કનેક્ટ થાય તે પહેલાં તેમના મોંમાંથી માત્ર 'બાબુ' શબ્દ નીકળ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રિન્સિપાલ શાળાના વિદ્યાર્થીઓને પ્રેમથી 'બાબુ' કહીને બોલાવતા હતા, જેનાથી પોલીસની શંકાની સોય શાળાના વિદ્યાર્થીઓ તરફ ગઈ.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગયા મહિને પ્રિન્સિપાલે હોસ્ટેલના રૂમમાંથી આ બંને વિદ્યાર્થીઓને ગેરકાયદેસર મોબાઈલ અને બિનહિસાબી રોકડ સાથે પકડી પાડ્યા હતા અને વાલીઓની હાજરીમાં ધમકાવ્યા હતા. આ અપમાનનો બદલો લેવા અને સોશિયલ મીડિયા પરથી ઝાકઝમાળ ભરેલી લાઈફસ્ટાઈલ જીવવાના ચસકા પૂરા કરવા માટે બંનેએ પ્રિન્સિપાલના ઘર પર નજર રાખીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેઓ જાણતા હતા કે પ્રિન્સિપાલના પતિ હૈદરાબાદમાં નોકરી કરે છે અને ઘરમાં મોટી રકમ રોકડી પડી છે.
ઘટનાના દિવસે એક વિદ્યાર્થીએ બહાર નજર રાખી હતી જ્યારે બીજાએ રસોડાના દરવાજેથી પ્રવેશ કરી પ્રિન્સિપાલ પર છરી વડે દયાહીન હુમલો કર્યો હતો. હત્યા બાદ ઘરમાંથી ₹૨.૫ લાખની રોકડ લૂંટીને તેઓ નાસી છૂટ્યા હતા. આ લૂંટના પૈસામાંથી તેઓએ ₹૬૦,૦૦૦નો આઈફોન ખરીદ્યો હતો અને બાકીના પૈસા પોતાના અંડરગાર્મેન્ટ્સમાં છુપાવી રાખ્યા હતા. દોનિયાલા ક્રોસરોડ નજીકથી ઝડપાયેલા આ વિદ્યાર્થીઓ પાસેથી લોહીના ડાઘાવાળી ₹૫૦૦ની નોટો મળી આવતાં જ તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
