તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
તહેવારોની સિઝન પૂર્વે મોંઘવારીનો આકરો પ્રહાર: ખાંડના ભાવમાં વિક્રમી તેજી, જથ્થાબંધ કિંમત પ્રતિ ક્વિન્ટલ ₹૫,૮૦૦ ને પાર
છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં ૩૨ ટકાનો મસમોટો ઉછાળો: ઉત્પાદનમાં ઘટાડો અને સ્ટોકની અછતને કારણે ઉત્સવો પહેલાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મુંબઈ, તા.૧૯: આગામી તહેવારોની સિઝન શરૂ થાય તે પૂર્વે જ આમ આદમીના રસોડા પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. દેશભરમાં ખાંડના ભાવમાં સતત અને ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે મીઠાઈ અને વાનગીઓ મોંઘી થવાની પૂરી શક્યતા છે. માત્ર બે જ મહિનાના ટૂંકા ગાળામાં જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં આશરે ૩૨ ટકાનો ભડકો થયો છે.
જથ્થાબંધ બજારમાં બે મહિના અગાઉ જે ખાંડ પ્રતિ ક્વિન્ટલ ₹૪,૪૦૦ ના ભાવે વેચાતી હતી, તેના ભાવ હવે વધીને ₹૫,૮૦૦ ની સપાટીને સ્પર્શી ગયા છે. મહારાષ્ટ્રની સુગર મિલોમાં એક્સ-ફેક્ટરી કિંમત પ્રતિ ક્વિન્ટલ ₹૫,૩૦૦ ની આસપાસ પહોંચી ગઈ છે, જેના પર ૫ ટકા જીએસટી (GST) ઉમેરાતા જથ્થાબંધ કિંમત ₹૫,૫૫૦ થી ₹૫,૬૦૦ થઈ જાય છે. રિટેલ બજારની વાત કરીએ તો, એક મહિના પહેલાં ₹૪૬ પ્રતિ કિલો મળતી ખાંડ હવે બજારમાં ₹૫૨ થી ₹૫૮ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
ભાવ વધારા પાછળના મુખ્ય કારણો
ખાંડના ભાવમાં આ પ્રકારે અચાનક આવેલા ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા અંગેની ચિંતા મુખ્ય કારણ છે. ચાલુ સિઝનમાં શેરડીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો, ખાંડની નિકાસ અને શેરડીના રસમાંથી ઈથેનોલ ઉત્પાદન તરફ વળેલા વલણને કારણે સિઝનના અંતે ખાંડનો બાકી રહેલો સ્ટોક (ઓપનિંગ સ્ટોક) છેલ્લા કેટલાક દાયકાઓના સૌથી નીચલા સ્તરે પહોંચી જવાની આશંકા સેવાઈ રહી છે. સ્ટોકની અછતના કારણે તહેવારો ટાણે જ ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
