<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ભાજપની નવી ટીમમાં નારી શક્તિનો દબદબો: ૧૩ માંથી ૬ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલાઓ, સંગઠનમાં સ્મૃતિ ઈરાનીનું મોટું પુનરાગમન

૨૦૨૭ ની ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે અધ્યક્ષ નીતિન નવીનની નવી કારોબારીની જાહેરાત : વસુંધરા રાજે ઉપાધ્યક્ષ પદે યથાવત અને સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે મહત્વની જવાબદારી

નવી દિલ્હી:  વર્ષ ૨૦૨૭ માં ઉત્તર પ્રદેશ સહિત અનેક મહત્વના રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરી દીધી છે. આ નવી ટીમમાં મહિલા નેતૃત્વ અને પ્રાદેશિક સંતુલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કુલ ૧૩ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમાંથી ૬ પદો પર મહિલા નેતાઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ પોતાનું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ જાળવી રાખ્યું છે. આ ઉપરાંત, ગુજરાતના વર્ષાબેન ડોશી, ડી. પુરંદેશ્વરી અને ડૉ. ભારતી પ્રવીણ પવાર જેવી અગ્રણી મહિલા નેતાઓને પણ ઉપાધ્યક્ષ પદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે.

નવી કારોબારીમાં સૌથી મોટો રાજકીય ધમાકો પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું કેન્દ્રીય સંગઠનમાં ભવ્ય પુનરાગમન છે. ભાજપના કુલ ૮ રાષ્ટ્રીય મહાસચિવોમાં સ્મૃતિ ઈરાની એકમાત્ર મહિલા નેતા તરીકે સ્થાન પામ્યા છે. ૨૦૦૩ માં ભાજપમાં જોડાયા બાદ ૨૦૧૯ માં અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવીને દેશભરમાં ભાજપના સૌથી લોકપ્રિય અને આક્રમક મહિલા ચહેરા તરીકે ઉભરેલા સ્મૃતિ ઈરાનીને ૨૦૨૭ ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનમાં પાછા લાવવાનો નિર્ણય અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે. મહિલા મતદારોને ભાજપ સાથે જોડવામાં અને ઉત્તર પ્રદેશમાં પક્ષનું સંગઠન મજબૂત કરવામાં તેમની વક્તૃત્વ શક્તિ અને પ્રભાવ નિર્ણાયક સાબિત થશે.

ભાજપની નવી ૩૭ સભ્યોની ટીમમાં કુલ ૧૨ જેટલી મહિલાઓને અલગ-અલગ હોદ્દા પર સ્થાન મળ્યું છે, જેમાં ૬ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ૧ રાષ્ટ્રીય મહાસચિવ, ૩ રાષ્ટ્રીય મંત્રી,૧ મહિલા મોરચાના પ્રમુખ (રૂપકુમારી ચૌધરી) અને સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટરનો સમાવેશ થાય છે. 'અમેઠીની દીકરી' અને નાના પડદાની લોકપ્રિય 'તુલસી' તરીકે જાણીતા સ્મૃતિ ઈરાની ફરી એકવાર રાષ્ટ્રીય મહાસચિવ તરીકે ઉત્તર પ્રદેશ અને દેશભરમાં ભાજપના મહિલા મતદારો અને સંગઠનને એકજૂથ કરવા માટે પાયાનું કામ કરશે. નવી ટીમમાં અનુભવ, યુવા ઉર્જા અને મહિલા સશક્તિકરણનું અનોખું મિશ્રણ કરીને ભાજપ ૨૦૨૭ ની આકરી રાજકીય પરીક્ષા માટે અત્યારથી જ સજ્જ થઈ ગયું છે.

(7:47 PM IST)