News of Thursday, 13th August 2026
E20 પેટ્રોલ પર મોટો ધડાકો: કાર ઉત્પાદકોના આંતરિક ડેટામાં ભયાનક દૂષણ છતું થતાં ઉહાપોહ; સરકારના દબાણ બાદ સંગઠને સત્તાવાર ફરિયાદ પાછી ખેંચી!
૧૮ રાજ્યોના સેમ્પલમાં નિર્ધારિત મર્યાદાથી અનેક ગણું વધુ ક્લોરાઈડ અને ભેજ મળ્યાનો ખુલાસો; વાહનોના એન્જિન ઝડપથી ખરાબ થવા અને માઈલેજ ઘટવા સામે વાહનચાલકોમાં ભારે અસંતોષ

નવી દિલ્હી: તા.13 દેશભરમાં ૧ એપ્રિલથી તમામ પેટ્રોલ પંપ પર ફરજિયાતપણે ઉપલબ્ધ કરાયેલા ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલને લઈને ભારે સનસનાટી મચી ગઈ છે. એક તરફ સરકાર E20 ને સુરક્ષિત અને પર્યાવરણાનુકૂળ ગણાવી રહી છે, તો બીજી તરફ દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓ મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને મહિન્દ્રાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે થયેલી આંતરિક વાતચીત અને ગોપનીય ડેટામાં ઈંધણમાં ગંભીર દૂષણ હોવાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. E20 ના ઉપયોગથી કારોનું માઈલેજ ઘટવા, એન્જિનમાં કાટ લાગવા અને સ્પેરપાર્ટ્સ ખરાબ થવાની સેંકડો ફરિયાદો ઉઠી છે, જેના પગલે દેશમાં મોટો વિવાદ સર્જાયો છે.
રોઈટર્સના સ્ફોટક અહેવાલ મુજબ, દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૧ રિટેલ આઉટલેટ્સમાંથી ૨૫૦ થી વધુ ઈંધણના સેમ્પલ એકત્રિત કરીને વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ના આંતરિક ઈમેઈલ લીક થતાં ખુલાસો થયો છે કે ૧૮ રાજ્યોના સેમ્પલમાં ક્લોરાઈડ અને ભેજનું પ્રમાણ સરકારી મર્યાદા કરતાં અનેક ગણું વધારે મળી આવ્યું છે. સરકારી મર્યાદા ૩ ppm હોવા છતાં રાજસ્થાનમાં ક્લોરાઈડનું સ્તર ૫૭૦ ppm, દિલ્હીમાં ૪૨૦ ppm અને મહારાષ્ટ્રમાં ૩૫૭ ppm સુધી નોંધાયું હતું. તેવી જ રીતે, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભેજનું પ્રમાણ ૩,૦૦૦ ppm ની મર્યાદા સામે ૧૩,૦૦૦ ppm સુધી પહોંચી ગયું હતું.
કંપનીઓના આંતરિક પત્રવ્યવહારમાં મહિન્દ્રાના સિનિયર એન્જિનિયરે ગંભીર ચેતવણી આપી હતી કે ઈંધણમાં હાજર ઓર્ગેનિક ક્લોરાઈડ માત્ર ૨૦૦ કિલોમીટરના ડ્રાઈવિંગમાં જ ગાડીના ફ્યુઅલ ઈન્જેક્ટર અને એન્જિનને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. પેટ્રોલ પંપો પરની ભૂગર્ભ સ્ટોરેજ ટાંકીઓ અને પાઈપલાઈનમાં યોગ્ય જાળવણીના અભાવે પણ પાણી અને ભેજ ભળતો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જાહેરમાં સરકારના બાયોફ્યુઅલ કાર્યક્રમનું સમર્થન કરતી આ કાર ઉત્પાદક કંપનીઓ ખાનગીમાં વાહનોમાં આવી રહેલી ઝડપી ટેકનિકલ ખામીઓથી ભારે ચિંતિત હતી.
જોકે, સરકાર દ્વારા ઈથેનોલ મિશ્રિત ઈંધણને સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ, SIAM એ ૨૮ જુલાઈના રોજ સરકારને પાઠવેલો ફરિયાદ પત્ર અચાનક પાછો ખેંચી લીધો હતો. સંગઠને સ્પષ્ટતા કરી હતી કે આ ડેટા માત્ર આંતરિક ચર્ચા માટે હતો અને સેમ્પલ સાઈઝ અપૂરતી હોવાથી તેને વધુ ચકાસણીની જરૂર હતી. બીજી તરફ, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે તેલ કંપનીઓએ પણ કઠોર ચેકિંગ કર્યું હતું જેમાં માત્ર ૪ કેસમાં જ સામાન્ય દૂષણ મળી આવ્યું હતું. આમ છતાં, આંતરિક ડેટા લીક થતાં જ વાહનચાલકો અને ગ્રાહકોમાં પોતાના મોંઘાદાટ વાહનોની સલામતીને લઈને ભય અને ચિંતાનો માહોલ ગંભીર બન્યો છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
