News of Wednesday, 12th August 2026
મહારાષ્ટ્ર ATSનો મોટો ધડાકો: મુંબઈથી ગ્રેટર નોઈડા સુધી ફેલાયેલા આંતરરાજ્ય ડ્રગ રેકેટનો પર્દાફાશ, ₹9.4 કરોડનું મેથ જપ્ત!
મુંબઈના બાંદ્રામાં દરોડાથી શરૂ થયેલી તપાસ યુપીના ગ્રેટર નોઈડા સ્થિત ડ્રગ્સ ફેક્ટરી સુધી પહોંચી; એકની ધરપકડ, બે વિદેશી મહિલાઓની શોધખોળ શરૂ.

મુંબઈ: તા.12 મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ આંતરરાજ્ય સિન્થેટિક ડ્રગ્સ નેટવર્ક પર મોટી કાર્યવાહી કરતા ₹9.4 કરોડની કિંમતનો 4.718 કિલો ‘ક્રિસ્ટલ મેથ’ (મેથામ્ફેટામાઇન) નો જથ્થો જપ્ત કર્યો છે. મુંબઈના બાંદ્રાથી શરૂ થયેલી આ તપાસના તાર ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત એક ગુપ્ત ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટ સુધી પહોંચ્યા છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ રેકેટમાં સામેલ બે વિદેશી મહિલાઓ હાલ ફરાર છે.
મળતી માહિતી મુજબ, ATS ની કાલાચોકી યુનિટને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ ભારે માત્રામાં ડ્રગ્સ વેચવા માટે બાંદ્રા ઈસ્ટની અંબર હોટેલ નજીક આવવાનો છે. આ માહિતીના આધારે ટીમે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી ₹4 કરોડની કિંમતનું 2.05 કિલો મેથામ્ફેટામાઇન મળી આવ્યું હતું, જેના આધારે NDPS એક્ટ હેઠળ કેસ નોંધી કડક પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
આરોપીની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ નશીલો પદાર્થ ગ્રેટર નોઈડા સ્થિત એક લેબમાં તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ કડી મળતા જ ATS ની ટીમે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગ્રેટર નોઈડાના પરિસર પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી વધુ ₹5.4 કરોડની કિંમતનું 2.668 કિલો ડ્રગ્સ તથા તેને બનાવવા માટે વપરાતો કાચો માલ અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને સ્થળોએથી જપ્ત કરાયેલા ડ્રગ્સનો કુલ જથ્થો 4.718 કિલો થાય છે. હાલમાં ATS આ ડ્રગ્સ બનાવવા માટે કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું અને મુંબઈમાં તેના સપ્લાય નેટવર્ક પાછળ કોનો હાથ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તેમજ કેસમાં સંડોવાયેલી બે વિદેશી મહિલાઓની શોધખોળ માટે ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
