News of Tuesday, 11th August 2026
હવે ‘જન-આલ્ફા’નો અવાજ : યુપીમાં પાંચ કિમી તિરંગા યાત્રા કાઢી બાળકો કલેક્ટર કચેરીએ ધસી ગયા
ખટીમામાં પણ વિદ્યાર્થીઓનો રોષ : ખરાબ ભોજન, દૂષિત પાણી અને ગંદા શૌચાલય સામે ધરણું; પ્રિન્સિપાલ સામે કાર્યવાહી

હમીરપુર/ખટીમા: ઉત્તર પ્રદેશના હમીરપુર અને ઉત્તરાખંડના ખટીમામાં સ્કૂલના નાની વયના વિદ્યાર્થીઓએ સ્થાનિક સમસ્યાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. હમીરપુરમાં પાકા રસ્તા માટે પાંચ કિલોમીટરની તિરંગા યાત્રા કાઢવામાં આવી, જ્યારે ખટીમાની એકલવ્ય મોડેલ આવાસીય શાળામાં ભોજન, પાણી અને સ્વચ્છતાની ફરિયાદોને લઈને વિદ્યાર્થીઓ ધરણા ઉપર બેઠા.
‘જનરેશન ઝેડ’ પછી હવે મીડિયા દ્વારા ‘જન-આલ્ફા’ કહેવાતી નાની વયની પેઢીના વિરોધની બે ઘટનાઓ ચર્ચામાં આવી છે. ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં ચંદુપુર ગ્રામ પંચાયતના ગંગવા કા ડેરા અને બચ્ચી કા ડેરાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ શાળા સુધી પાકો રસ્તો બનાવવાની માંગ સાથે હાથમાં તિરંગો લઈ લગભગ પાંચ કિલોમીટર ચાલીને કલેક્ટર કચેરી પહોંચ્યા. વિદ્યાર્થીઓએ વરસાદમાં કાદવભર્યા રસ્તે શાળાએ જવું પડતું હોવાની ફરિયાદ કરી. પ્રશાસને જણાવ્યું કે વન વિભાગની જરૂરી મંજૂરી મળી ગઈ છે અને અંદાજે ₹૧.૮૧ કરોડના ખર્ચે માર્ગનું કામ શરૂ કરવાની કાર્યવાહી થશે.
બીજી તરફ ઉત્તરાખંડના ખટીમાની એકલવ્ય મોડેલ આવાસીય શાળાના વિદ્યાર્થીઓએ ખરાબ ભોજન, દૂષિત પાણી, ગંદા શૌચાલય અને અન્ય અવ્યવસ્થાઓ સામે ધરણું કર્યું. શાળામાં ધોરણ ૬થી ૧૨ના આશરે ૪૦૦ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફરિયાદો બાદ પ્રિન્સિપાલ ભારતી યાદવને આગામી આદેશ સુધી જિલ્લા જનજાતિ કલ્યાણ અધિકારીની કચેરી સાથે સંલગ્ન કરવામાં આવ્યા છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
