News of Tuesday, 11th August 2026
'વંદો' ટિપ્પણી પર હોબાળો અને સોશિયલ મીડિયા દુરુપયોગ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, CBI અને BCI ને ફટકારી નોટિસ!
CJI સૂર્યકાંતના મૌખિક અવલોકનને સંદર્ભ બહાર રજૂ કરી ‘CJP’ ઝુંબેશ ચલાવવાનો આક્ષેપ; નકલી ડિગ્રીવાળા વકીલોની તપાસ કરવા પણ અરજીમાં માંગ

નવી દિલ્હી : અદાલતી સુનાવણી દરમિયાન ન્યાયાધીશો અને વકીલો વચ્ચે થતી મૌખિક ટિપ્પણીઓનો સોશિયલ મીડિયા પર દુરુપયોગ કરવાના વધતા જતા પ્રવણતા સામે સુપ્રીમ કોર્ટે ગંભીર વલણ અપનાવ્યું છે. કોર્ટની ટીકાઓ અને શબ્દોને સંદર્ભ બહાર લઈને વાયરલ કરવા તેમજ રાજકીય/વ્યાપારી લાભ ખાટવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY), બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) અને CBI ને નોટિસ જારી કરીને જવાબ તલબ કર્યો છે.
'વંદો' શબ્દથી શરૂ થયો સમગ્ર વિવાદ
આ મામલો મે ૨૦૨૬ માં સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી એક મૌખિક ટિપ્પણી સાથે જોડાયેલો છે. અરજદાર એડવોકેટ રાજા ચૌધરીએ કોર્ટમાં દલીલ કરી હતી કે CJI દ્વારા કહેવાયેલા "વંદો" શબ્દને મૂળ સંદર્ભમાંથી કાપીને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેના આધારે 'વંદો જનતા પાર્ટી' (CJP) નામે એક આખી ઝુંબેશ, મીમ્સ અને પ્રોપેગંડા સોશિયલ મીડિયા પર શરૂ કરી દેવામાં આવ્યા હતા, જે ન્યાયતંત્રની ગરિમાને નુકસાન પહોંચાડે છે.
નકલી વકીલો સામે દેશવ્યાપી ઝુંબેશની માંગ
સુનાવણી દરમિયાન અરજદારે દેશમાં પ્રેક્ટિસ કરતા નકલી ડિગ્રી ધારક વકીલોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી વેરિફિકેશન પ્રક્રિયાનો હવાલો આપતાં માંગ કરી હતી કે સમગ્ર દેશમાં આવી જ તપાસ થવી જોઈએ. નકલી સનદ કે ડિગ્રીના આધારે કાયદાના વ્યવસાયમાં ઘૂસેલા તત્વોને ઓળખીને તેમને તુરંત જ પ્રેક્ટિસ કરવાથી દૂર કરવા જોઈએ, કારણ કે આવા લોકો જ કોર્ટની કાર્યવાહીનો દુરુપયોગ કરે છે.
૧૦ સપ્ટેમ્બરે થશે આગામી સુનાવણી
મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પીઠે આ મામલાની ટૂંકી સુનાવણી બાદ તમામ પક્ષકારોને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ની તારીખ નક્કી કરી છે. આ જ દિવસે સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટની લાઇવ-સ્ટ્રીમિંગ કાર્યવાહીના રેકોર્ડિંગ અને સંપાદિત ક્લિપ્સના પ્રસારણ સંબંધિત અન્ય એક અરજી પર પણ એકસાથે સુનાવણી હાથ ધરવામાં આવશે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
