તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૨ મંગળવાર
News of Tuesday, 11th August 2026
સંસદના પ્રવેશ દ્વાર પર NDA અને વિપક્ષ સામસામેઃ ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત
પ્રિયંકા ગાંધી અને ભાજપ સાંસદો વચ્ચે તીખી બોલાચાલીઃ ગૃહમાં ભારે હોબાળો થતાં સ્થગિત : દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને રામ મંદિરના દાનમાં ગડબડ મુદ્દે ગૃહમંત્રીના જવાબની વિપક્ષી માંગઃ ભાજપે ઝારખંડ લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવી રાહુલ ગાંધીના બેવડા ધોરણો પર કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હી, તા.૧૧: સંસદના ચોમાસા સત્રના છેલ્લા અઠવાડિયામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મકર દ્વાર પર શાસક પક્ષ NDA અને વિપક્ષી સાંસદો સામસામે આવી જતાં ભારે હોબાળો અને ઉગ્ર સૂત્રોચ્ચાર જોવા મળ્યો હતો. વિપક્ષી સાંસદો દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે ગળહમંત્રી અમિત શાહના નિવેદનની તેમજ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મેળવેલા દાનના કથિત દુરુપયોગ પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. તો બીજી તરફ, શાસક પક્ષના સાંસદોએ ઝારખંડમાં હેમંત સોરેન સરકારના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવીને રાહુલ ગાંધી અને કોંગ્રેસના બેવડા ધોરણો સામે મોરચો માંડ્યો હતો.
ગળહની કાર્યવાહી સતત ખોરવાતા સ્પીકર ઓમ બિરલાએ ગળહ સ્થગિત કરવું પડ્યું હતું. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને શાંત પાડવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે જો ગળહ શાંતિપૂર્ણ રીતે ચાલે તો ગળહમંત્રી અમિત શાહ તમામ સવાલોના જવાબ આપવા તૈયાર છે. જોકે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને હોદ્દેદારોના અભિપ્રાયમાં કોઈ રસ નથી પરંતુ તેઓ જાણવા માંગે છે કે દિલ્હીના જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ બળપ્રયોગ કરવાનો આદેશ કોણે આપ્યો હતો. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે આરોપ લગાવ્યો હતો કે ગળહમંત્રી સંસદ સંકુલમાં હોવા છતાં પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે પ્રિયંકા ગાંધી સંસદમાં પ્રવેશ્યા ત્યારે ભાજપના સાંસદ મુકેશ દલાલે શરમ કરો, રાહુલ ગાંધી શરમ કરો ના નારા લગાવીને તેમને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે રાહુલ ગાંધી ઝારખંડના વિદ્યાર્થીઓ માટે કેમ અવાજ નથી ઉઠાવતા? આના જવાબમાં પ્રિયંકા ગાંધીએ હસતાં હસતાં વળતો પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી ઝારખંડના વિદ્યાર્થીઓને મળી ચૂકયા છે. બાદમાં પત્રકારો સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કર્યો હતો કે આ કદાચ દેશના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે જ્યાં સરકારી પક્ષના સાંસદોએ જ વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થવું પડ્યું છે, કારણ કે વિપક્ષે તેમના પર ભારે દબાણ બનાવ્યું છે.
બીજી તરફ, ભાજપના જ્યેષ્ઠ નેતા અને સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ઝારખંડના યુવાનો પર થયેલો દમન અને ત્રાસ રાહુલ ગાંધીની માનસિકતા છતી કરે છે અને ત્યાંના યુવાનોને ન્યાય મળવો જ જોઈએ. આ સમગ્ર વિવાદ વચ્ચે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ સરકાર પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ટાળવાનો આરોપ લગાવ્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે ઝારખંડ હોય કે દિલ્હી, વાતચીત જ આગળ વધવાનો એકમાત્ર કાયમી રસ્તો છે. બંને પક્ષોના અડિયલ વલણને કારણે સંસદીય કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
