News of Monday, 10th August 2026
સુપ્રીમ કોર્ટ તરફથી TMC સાંસદ અભિષેક બેનર્જીને મોટી રાહત: આંખની સારવાર અર્થે ૩ અઠવાડિયા માટે વિદેશ જવાની મળી મંજૂરી, CJI બેન્ચે લાદી કડક શરતો
કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં આપાઈ હતી પડકાર; હવે માત્ર ડિપ્લોમેટિક પાસપોર્ટ પર પ્રવાસ કરી શકશે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ

નવી દિલ્હી: તા.૧૦: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી એક મોટી કાનૂની રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર મહિનામાં આંખની તાત્કાલિક સારવાર કરાવવા માટે તેમને ત્રણ અઠવાડિયા માટે વિદેશ જવાની સશર્ત પરવાનગી આપી દીધી છે. કથિત નફરતભર્યા ભાષણ (હેટ સ્પીચ) કેસમાં કલકત્તા હાઈકોર્ટે મુસાફરી પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કર્યા બાદ બેનર્જીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જ્યાંથી તેમને આ રાહત મળી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે અભિષેક બેનર્જીને વિદેશ પ્રવાસ માટે લીલી ઝંડી આપતાં કેટલાક અત્યંત કડક નિયમોનું પાલન કરવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટના આદેશ અનુસાર, બેનર્જી માત્ર તેમના રાજદ્વારી (ડિપ્લોમેટિક) પાસપોર્ટનો ઉપયોગ કરીને જ વિદેશ પ્રવાસ કરી શકશે. આ ઉપરાંત, તેમણે પોતાનો સંપૂર્ણ પ્રવાસ કાર્યક્રમ, ફ્લાઇટ વિગતો, વિદેશમાં રહેવાનું સરનામું તેમજ સારવાર કરનાર ડૉક્ટરો અને હોસ્પિટલોની તમામ વિગતો અગાઉથી રજૂ કરવાની રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તપાસ એજન્સીઓ જરૂર પડ્યે આ માહિતીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેને સંપૂર્ણ ગુપ્ત રાખવાની રહેશે.
આ અગાઉ, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા કથિત વિવાદાસ્પદ નિવેદનો બદલ નોંધાયેલા કેસના સંદર્ભમાં કલકત્તા હાઇકોર્ટે અભિષેક બેનર્જીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. હાઇકોર્ટે તેમને સૂચના આપી હતી કે તેઓ પહેલા કોલકાતાની SSKM હોસ્પિટલમાં પોતાની આંખની તપાસ કરાવે, જેથી વિદેશમાં સારવાર ખરેખર જરૂરી છે કે નહીં તે નક્કી થઈ શકે. હાઇકોર્ટના આ નિર્ણયથી અસંતોષ વ્યક્ત કરીને બેનર્જીએ તબીબી કારણો આગળ ધરીને સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.
૩ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આ અરજી પર એક અઠવાડિયામાં નિર્ણય લેવા જણાવ્યું હતું, પરંતુ ત્યાંથી રાહત ન મળતાં અંતે સર્વોચ્ચ અદાલતે માનવતાવાદી અને તબીબી ધોરણે તેમને શરતી મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેનર્જી જૂથને મોટી રાહત મળી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
