તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
ભારતીય અર્થતંત્રમાં મોટા આશાવાદના સંકેત: દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં $૧૦.૫ અબજનો મોટો ઉછાળો, કૂલ સ્ટોક $૬૯૨.૮૭ અબજે પહોંચ્યો!
રિઝર્વ બેંકના સાપ્તાહિક આંકડામાં ખુલાસો; વિદેશી ચલણી અસ્ક્યામતો અને સોનાના અનામત ભંડારમાં સિંહફાળો, ડોલર સામે રૂપિયાને મળશે મજબૂત ટેકો!

મુંબઈ : ભારતીય અર્થતંત્ર અને નાણાકીય સ્થિરતા માટે અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ગત ૩૧મી જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની વિદેશી હૂંડિયામણની અનામત (ફોરેક્સ રિઝર્વ)માં એક જ સપ્તાહમાં $૧૦.૫૧૨ અબજનો મોટો વધારો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, દેશનો કૂલ વિદેશી હૂંડિયામણનો ભંડાર વધીને $૬૯૨.૮૬૬ અબજની મજબૂત સપાટીએ પહોંચી ગયો છે. આ અગાઉના સપ્તાહે પણ તેમાં $૬.૧૧૮ અબજનો સુધારો થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૭મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની ફોરેક્સ રિઝર્વ $૭૨૮.૪૯૪ અબજની ઐતિહાસિક ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. જોકે, ત્યારબાદ મધ્યપૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધેલા ભૌગોલિક તણાવ અને ક્રૂડતેલના ભાવમાં થયેલા ઉછાળાને કારણે ભારતીય રૂપિયાનું ધોવાણ અટકાવવા RBIએ હાજર બજારમાં ડોલરનું વેચાણ કરવું પડ્યું હતું, જેના લીધે અનામતમાં ઘટ જોવા મળી હતી. પરંતુ હવે ફરી એકવાર ફોરેક્સ રિઝર્વ મજબૂત રિકવરી દર્શાવી રહી છે.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વનો મુખ્ય હિસ્સો ગણાતી વિદેશી ચલણી અસ્ક્યામતો (FCA) $૮.૭૫ અબજ વધીને $૫૬૪.૬૮ અબજના સ્તરે પહોંચી છે. વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવા વૈશ્વિક ચલણો સામે થતી વઘઘટની અસર પણ સામેલ હોય છે. આ સિવાય સરકાર અને રિઝર્વ બેંક દ્વારા વિદેશી નાણાં આકર્ષવા માટે FCNR(B) જેવી યોજનાઓ અમલમાં મુકાઈ હતી, જેના દ્વારા $૩૨ અબજથી વધુનું ભંડોળ એકત્ર કરવામાં સફળતા મળી હતી.
આ ઉપરાંત રિઝર્વ બેંક પાસે રહેલા સોનાના અનામત ભંડાર (ગોલ્ડ રિઝર્વ)માં પણ $૧.૬૮૫ અબજનો વધારો થતાં તે $૧૦૪.૭૪૩ અબજે પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ (IMF) સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) $૪.૮ કરોડ વધીને $૧૮.૬૬૬ અબજ અને IMF સાથેની અનામત પોઝિશન $૨.૮ કરોડ વધીને $૪.૭૭૮ અબજની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બેંકે જણાવ્યું છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
