તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
'માફિયાઓનો સફાયો મારો ફેવરિટ વિષય છે': મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગર્જનાભર્યો એકરાર, લખનૌના કાર્યક્રમમાં બુલડોઝર એક્શનની કહી રસપ્રદ વાર્તા
પોલીસની જમીન પચાવી પાડનાર માફિયાને આપ્યો સબક; સીએમ યોગીના સંબોધને હોલમાં વસાવ્યા તાળીઓના ગડગડાટ, કહ્યું- કાયદો તોડનાર કોઈને પણ નહીં બક્ષવામાં આવે

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પોતાના અંદાજમાં જોવા મળ્યા હતા. લખનૌમાં આયોજિત 'D-3 ત્રિવેણી' કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું કે માફિયાઓનો ખાતમો અને ગુનેગારો પર કડક કાર્યવાહી કરવો એ તેમનો સૌથી પ્રિય વિષય છે. આ નિવેદન સાથે જ સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
બુલડોઝર એક્શનની અંદરની વાત:
કાર્યક્રમમાં સીએમ યોગીએ એક નિવૃત્ત ડીજીપી સાથેની મુલાકાતનો કિસ્સો શેર કર્યો. તેમણે જણાવ્યું કે, એકવાર નિવૃત્તિના આરે ઉભેલા ડીજીપીએ તેમને આવીને જાણ કરી હતી કે લખનૌમાં પોલીસની જમીન પર માફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આ સાંભળતા જ સીએમ યોગીએ હસીને જવાબ આપ્યો કે, "આ તો મારો પ્રિય વિષય છે, તમે બસ મને એ જમીનનું સરનામું આપો, હું બધું ઠીક કરી નાખીશ." તેમણે તત્કાલ FIR નોંધાવી અને બુલડોઝર ચલાવીને જમીન માફિયાઓના પંજામાંથી મુક્ત કરાવી હતી.
અધિકારીઓને પણ નહીં મળે માફી:
સીએમ યોગીએ માત્ર માફિયાઓ પર જ નહીં, પરંતુ તેમની મદદ કરનારા ભ્રષ્ટ અધિકારીઓ પર પણ તવાઈ બોલાવી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે, જે અધિકારીઓએ માફિયાઓના નામે જમીન રજીસ્ટર કરવામાં મદદ કરી હતી, તેમની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, "ઉત્તર પ્રદેશમાં ગરીબની જમીન હોય કે સરકારની, કોઈપણ માફિયાની હિંમત નથી કે તે તેને પચાવી પાડે."
નવ વર્ષનું 'માફિયા-મુક્ત' ઉત્તર પ્રદેશ:
છેલ્લા નવ વર્ષમાં યુપીમાં આવેલા પરિવર્તન પર ભાર મૂકતા સીએમ યોગીએ જણાવ્યું કે, તેમની સરકાર માફિયાઓ સામે સતત અને કડક કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી સેંકડો એકર કિંમતી જમીન માફિયાઓના કબજામાંથી મુક્ત કરાવીને તેને લોકહિતમાં વાપરવામાં આવી રહી છે. સીએમએ અંતમાં ફરી દોહરાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને કાયદો તોડનારાઓ માટે રાજ્યમાં કોઈ જગ્યા નથી.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
