News of Tuesday, 16th June 2026
TMCમાં મોટી બગાવત: 20 બળવાખોર સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડી NCPIમાં કર્યું વિલીન, કાકોલી ઘોષ દસ્તીદારને સોંપાઈ નવી પાર્ટીની કમાન
મતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો; સંસદમાં બે-તૃતીયાંશ સાંસદોના જૂથે અલગ થવાનો નિર્ણય લેતા TMCના સંસદીય બળને ફટકો, બંગાળના રાજકારણમાં ભૂકંપ

નવી દિલ્હી, તા. 16 : પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ-TMCમાં અચાનક મોટી તિરાડ પડી છે અને પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. TMCના 20 લોકસભા સાંસદોના જૂથે પાર્ટીથી બળવો કરીને નેશનલ કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા-NCPIમાં વિલીન થવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ બળવાખોર જૂથનું નેતૃત્વ વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે કર્યું છે અને તેમને જ નવી રચાયેલી NCPIના સંસદીય દળના નેતા અને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંસદીય નિયમો મુજબ કોઈપણ પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો અલગ થાય તો તેને વિલીનીકરણ માનવામાં આવે છે અને તેમના પર પક્ષપલટો વિરોધી કાયદો લાગુ પડતો નથી. TMCના કુલ 29 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોના અલગ થવાથી પાર્ટીની સંસદીય તાકાતને મોટો ફટકો પડ્યો છે. આ 20 સાંસદોએ દાવો કર્યો છે કે પાર્ટીની કાર્યશૈલી અને નિર્ણય પ્રક્રિયામાં તેમને અવગણવામાં આવી રહ્યા હતા અને પક્ષમાં આંતરિક લોકશાહીનો અભાવ હતો. આ બગાવતના સમાચારથી બંગાળના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે કારણ કે TMCના રાષ્ટ્રીય સ્તરના પ્રભાવને આનાથી સીધો ફટકો પડશે. મમતા બેનર્જીની પાર્ટી માટે આ સૌથી મોટો આંતરિક પડકાર માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ NCPIને એકાએક 20 સાંસદો મળતા સંસદમાં તેમનું કદ અને મહત્વ વધી ગયું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટનાની અસર આવનારી પેટાચૂંટણીઓ અને 2026ની વિધાનસભા ચૂંટણી પર પણ પડી શકે છે. હવે TMC આ બળવાખોર સાંસદોને પાછા લાવવા માટે કેવી રણનીતિ ઘડે છે અને સ્પીકર આ વિલીનીકરણને કેવી રીતે માન્યતા આપે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
