તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તોનો મહેરામણ: માત્ર જૂન મહિનામાં જ ૫.૫૫ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
ચાલુ વર્ષે વૈષ્ણોદેવીન દર્શનાર્થીઓનો આંકડો એક કરોડને પાર કરી જશે

જમ્મુ: કાળઝાળ ગરમી વચ્ચે પણ માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થીઓના ઉત્સાહમાં જરાય ઓટ આવી નથી. આ વર્ષે યાત્રિકોનો અવિરત પ્રવાહ જોતા અગાઉના તમામ રેકોર્ડ તૂટી જવાની પૂરી સંભાવના છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૪૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં શીશ ઝુકાવી ચૂક્યા છે, અને માત્ર જૂન મહિનામાં જ આ આંકડો ૫.૫૫ લાખને પાર કરી ગયો છે. જાણકારોના મતે, વર્ષ ૨૦૨૬માં યાત્રિકોની કુલ સંખ્યા ૧ કરોડના ઐતિહાસિક આંકડાને આંબી શકે છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના આંકડા મુજબ, ગત ૧૩ જૂનના રોજ એક જ દિવસમાં ૪૮,૫૦૦ જેટલા ભક્તોએ યાત્રા કરી હતી. ગત મે મહિનામાં ૧૦.૯૨ લાખ દર્શનાર્થીઓ નોંધાયા હતા, જ્યારે ગયા વર્ષે 'ઓપરેશન સિંદૂર'ના કારણે આ જ મહિનામાં માત્ર ૪.૧૩ લાખ લોકો જ આવ્યા હતા. નોંધણી કેન્દ્રો પર આરએફઆઈડી (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન) કાર્ડ મેળવવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓની સતત વધતી જતી સંખ્યાને પહોંચી વળવા શ્રાઈન બોર્ડે પોતાના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. પ્રશાસન, પોલીસ અને સીઆરપીએફના જવાનો યાત્રા માર્ગ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. ભક્તોને સુરક્ષિત અને સુખદ યાત્રા માટે જારી કરાયેલી તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા વહીવટીતંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
