<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

પવન ઊર્જા ક્ષેત્રે ભારતની મોટી છલાંગ: મંત્રી પ્રહલાદ જોશીએ લોન્ચ કર્યું 'WT-MARUT' પોર્ટલ, આત્મનિર્ભરતાને મળશે નવી ગતિ!

પવન ઉર્જાની સપ્લાય ચેઇનને મળશે ડિજિટલ મજબૂતી: જાણો દેશના પ્રથમ સમર્પિત પોર્ટલથી કેવી રીતે ઘટશે આયાત પર નિર્ભરતા અને વધશે સ્થાનિક ઉત્પાદન.

ગોવા | તા. 1૬ જૂન, 2026: ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગોવામાં આયોજિત 'ગ્લોબલ વિન્ડ ડે 2026' નેશનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ 'વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ' (WT-MARUT) પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કર્યું છે. આ પોર્ટલ ભારતનું પ્રથમ એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે સંપૂર્ણપણે પવન ઉર્જાના પુરવઠાને સુવ્યવસ્થિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) અને ભારતીય પવન ટર્બાઇન ઉત્પાદકો સંગઠન (IWTMA) દ્વારા તૈયાર કરાયેલું આ ડિજિટલ સાધન સરકારના 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પારદર્શિતા અને ડેટા સુરક્ષામાં થશે મોટો વધારો
WT-MARUT પોર્ટલનો મુખ્ય હેતુ કમ્પોનન્ટ સોર્સિંગમાં પારદર્શિતા લાવવાનો છે. આ પ્લેટફોર્મ સ્થાનિક સપ્લાયર્સ સુધી પહોંચવું વધુ સરળ બનાવશે અને ડેટા સુરક્ષામાં પણ મોટો વધારો કરશે. અત્યાર સુધી પવન ઊર્જાના ઘટકોના સોર્સિંગમાં જે જટિલતાઓ હતી, તે હવે એક ક્લિક પર દૂર થઈ જશે. આ પહેલથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે અને વિદેશી ઘટકો પરની નિર્ભરતામાં ઘટાડો થશે, જે લાંબા ગાળે ભારતના ઉર્જા ક્ષેત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવશે.
ભારતની રેકોર્ડબ્રેક પ્રગતિ: 56.1 GW ક્ષમતા સાથે વિશ્વમાં ચોથા સ્થાને
કાર્યક્રમમાં મંત્રી પ્રહલાદ જોશીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે પવન ઉર્જા ક્ષેત્રમાં ભારતે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશે પવન ઉર્જા ક્ષમતામાં 6.1 GW નો રેકોર્ડ વધારો કર્યો છે, જે વાર્ષિક ધોરણે 46 ટકાનો મોટો ઉછાળો છે. હાલમાં ભારતની કુલ સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા 56.1 GW ને પાર કરી ગઈ છે, જેના કારણે વિશ્વના ચોથા સૌથી મોટા પવન ઉર્જા બજાર તરીકે ભારતનું સ્થાન વધુ સુદ્રઢ બન્યું છે.
નિકાસમાં 12,000 કરોડનો આંકડો પાર
માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ભારતનો દબદબો વધી રહ્યો છે. મંત્રીએ નોંધ્યું કે, પવન ટર્બાઇન અને તેના સંબંધિત ઘટકોની નિકાસ આ વર્ષે 12,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ આંકડો દર્શાવે છે કે વૈશ્વિક નવીનીકરણીય ઉર્જા ઉદ્યોગમાં ભારત હવે એક મહત્વપૂર્ણ ખેલાડી બનીને ઉભર્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે દેશના 'નેટ-ઝીરો' ઉત્સર્જન લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સ્વચ્છ ઉર્જા તકનીકોના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
2030 સુધીમાં ભવિષ્યની મોટી તૈયારીઓ
IWTMA ના ચેરમેન ગિરીશ તંતીએ જણાવ્યું હતું કે ભારતની હાલની 24 GW વાર્ષિક ઉત્પાદન ક્ષમતા દેશને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં લીડર બનાવવા માટે સક્ષમ છે. 2030 સુધીમાં 15 GW વાર્ષિક સ્થાપનોનું લક્ષ્ય હાંસલ કરવા માટે આ પોર્ટલ એક પાયાનો પથ્થર સાબિત થશે. ડિજિટલાઈઝેશનના માધ્યમથી પવન ઉર્જા ક્ષેત્રને વધુ ઝડપી અને પારદર્શક બનાવીને ભારત આવનારા દિવસોમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં નવા કિર્તિમાન સ્થાપિત કરવા માટે તૈયાર છે.

(3:41 PM IST)