News of Saturday, 13th June 2026
પીએમ મોદી ફ્રાંસ અને સ્લોવાકિયાના પ્રવાસે રવાનાઃ G7 સમિટમાં ભાગ લેશે
વ્યૂહાત્મક સંબંધોની નવી સવારઃ ૧૯૯૩ પછી પ્રથમવાર કોઈ ભારતીય વડાપ્રધાન સ્લોવાકિયાની ઐતિહાસિક મુલાકાતે

નવી દિલ્હી, તા.૧૩: વૈશ્વિક રાજનીતિના મંચ પર ભારતનું કદ સતત વધી રહ્યું છે, જેની સાબિતી આપતા વડા૫પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના એક સપ્તાહના અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત દરમિયાન પીએમ મોદી વિશ્વના સૌથી શક્તિશાળી અર્થતંત્રોના સમૂહ એટલે કે G-7 સમિટમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે હાજરી આપશે. ખાસ વાત એ છે કે આ સતત આઠમી G-7 સમિટ છે જેમાં ભારતને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે વૈશ્વિક નિર્ણયોમાં હવે ભારતની ભૂમિકા અનિવાર્ય બની ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર પીએમ મોદી માત્ર ભારતનો પક્ષ જ નહીં રજૂ કરે, પરંતુ વિકાસશીલ અને પછાત દેશોના સમૂહ એટલે કે ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓ અને જરૂરિયાતોને પણ મજબૂતાઈથી વિશ્વ સમક્ષ મૂકશે.
વડાપ્રધાન મોદીના આ પ્રવાસનો બીજો અને ખૂબ જ રોમાંચક અધ્યાય સ્લોવાકિયાની મુલાકાત છે, જે મુત્સદ્દીગીરીની દ્રષ્ટિએ એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. વર્ષ ૧૯૯૩માં સ્લોવાકિયા એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારપછીના છેલ્લા ત્રણ દાયકાથી વધુના સમયગાળામાં સ્લોવાકિયાની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનશે. પ્રસ્થાન પૂર્વે પીએમ મોદીએ આ પ્રવાસને એક ઐતિહાસિક સીમાચિホરૂપ ગણાવ્યો હતો અને બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની અને વડા પ્રધાન રોબર્ટ ફિકો સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકો અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત મધ્ય યુરોપના આ દેશ સાથે ભારતના વ્યાપારી, સાંસ્કળતિક અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી ઊંચાઈએ લઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, ભારતના સૌથી ભરોસાપાત્ર અને જૂના સાથી એવા ફ્રાન્સ સાથેની દોસ્તી આ પ્રવાસ દરમિયાન વધુ ગાઢ બનશે. ફ્રાન્સના એવિયનમાં યોજાનારી G-7 સમિટની સાથે-સાથે પીએમ મોદી નાઇસ શહેરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ખાસ દ્વિપક્ષીય મુલાકાત પણ કરશે. ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચ્યા હતા, અને હવે નાઇસમાં યોજાનારી આ બેઠકમાં તે પ્રગતિની સમીક્ષા કરીને સંરક્ષણ, ટેકનોલોજી અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગનો નવો રોડમેપ (ચાર્ટ) તૈયાર કરવામાં આવશે. ફ્રાન્સના આંગણે ભારતની આ સક્રિય ભાગીદારી વૈશ્વિક સ્તરે દેશની વધતી જતી ધાકનો સ્પષ્ટ સંકેત છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
