News of Thursday, 11th June 2026
સીબીઆઈની મોટી આંતરરાષ્ટ્રીય સફળતા: જ્યોર્જિયાથી કુખ્યાત મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર વૈંકેટ ગર્ગનું કરાયું ભારતને પ્રત્યાર્પણ!
વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશન સામે ઇન્ટરપોલની 'રેડ નોટિસ' પણ કામ આવી: હત્યા, ખંડણી અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના અનેક કેસોમાં સંડોવાયેલો આરોપી જેલભેગો

નવી દિલ્હી : ભારતની પ્રીમિયર ઇન્વેસ્ટિગેશન એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાના સકંજામાંથી ભાગતા ફરતા ગુનેગારો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. સીબીઆઈએ આજે વિદેશી ધરતી જ્યોર્જિયાથી ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ અને કુખ્યાત ગેંગસ્ટર વૈંકેટ ગર્ગનું સફળતાપૂર્વક ભારત પ્રત્યાર્પણ (Extradition) સુનિશ્ચિત કર્યું છે. આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશન ભારત સરકારના વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને હરિયાણા પોલીસ વચ્ચેના અત્યંત સચોટ અને મજબૂત સંકલનને કારણે પાર પાડી શકાયું છે.
સીબીઆઈના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી વૈંકેટ ગર્ગ કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ એક રીઢો અને શક્તિશાળી ગેંગસ્ટર છે. તે હરિયાણામાં હત્યા, કરોડોની ખંડણી (એક્સટોર્શન), સંગઠિત ગુનાખોરી (ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) અને ગેરકાયદેસર હથિયારોના બેફામ ઉપયોગ જેવા અતિ ગંભીર ગુનાઓ માટે હરિયાણા પોલીસના ચોપડે વોન્ટેડ હતો. અગાઉ આ કેસોની તપાસ દરમિયાન તેની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ અદાલતમાંથી જામીન મળ્યા બાદ તે કાયદાની આંખમાં ધૂળ નાખીને દેશ છોડી વિદેશ ભાગી જવામાં સફળ રહ્યો હતો.
ઇન્ટરપોલની રેડ નોટિસની જાળમાં ફસાયો ગેંગસ્ટર
આરોપી ભારતમાંથી ફરાર થઈ જતાં હરિયાણા પોલીસ અને ભારતની નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) ની ખાસ વિનંતી પર આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન 'ઇન્ટરપોલ' (Interpol) દ્વારા વૈંકેટ ગર્ગ વિરુદ્ધ વૈશ્વિક સ્તરે 'રેડ કોર્નર નોટિસ' પ્રકાશિત કરવામાં આવી હતી. આ નોટિસના આધારે તેને જ્યોર્જિયામાં ટ્રેક કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં હરિયાણા પોલીસની એક વિશેષ એસ્કોર્ટ ટીમ જ્યોર્જિયા પહોંચી હતી, જ્યાં ત્યાંની સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ કાયદેસર રીતે ગર્ગનો કબજો ભારતીય ટીમને સોંપી દીધો હતો.
સીબીઆઈએ આ ઓપરેશન બાદ ગર્વભેર જણાવ્યું હતું કે, ભારતીય સુરક્ષા અને તપાસ એજન્સીઓ વચ્ચે વધી રહેલા અદભુત તાલમેલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના મજબૂત રાજદ્વારી સંબંધોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં જ ૧૬૦ થી વધુ મોસ્ટ વોન્ટેડ ગુનેગારો અને ભાગેડુઓને દુનિયાના ખૂણે-ખૂણેથી શોધીને સફળતાપૂર્વક ભારત પાછા લાવવામાં આવ્યા છે. વૈંકેટ ગર્ગનું આ પ્રત્યાર્પણ એવા તમામ ગુનેગારો માટે કડક સંદેશ છે જેઓ ગુનો કરીને વિદેશમાં આશ્રય મેળવી લેવાની ભ્રમણામાં જીવે છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
