News of Thursday, 11th June 2026
ભારત અને મંગોલિયાના સંબંધોમાં આધ્યાત્મિકતાનો નવો અધ્યાય: ૧૦ દિવસના ભવ્ય પ્રદર્શન બાદ ભગવાન બુદ્ધના બે પરમ શિષ્યોના પવિત્ર અવશેષો ભારત પરત ફર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ યોજાયેલા આ વિશિષ્ટ મહોત્સવમાં ૧ લાખથી વધુ મંગોલિયન શ્રદ્ધાળુઓએ લીધા આશીર્વાદ: આસામના રાજ્યપાલ અને મંગોલિયાના શિક્ષણ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

નવી દિલ્હી, તા.૧૧: ભારતની ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભગવાન ગૌતમ બુદ્ધના બે મુખ્ય અને પરમ શિષ્યો, અર્હંત સારીપુત્ર અને અર્હંત મૌદ્ગલ્યાયનના અતિ પવિત્ર અવશેષો મોંગોલિયાના ઉલાનબાતાર ખાતે યોજાયેલા ૧૦ દિવસના સફળ પ્રદર્શન બાદ આખરે સન્માનપૂર્વક વતન ભારત પરત ફર્યા છે. મોંગોલિયાના પ્રખ્યાત 'ગંડન ટેગચેનલિંગ મઠ' (ગંડન મઠ) ની વિશેષ વિનંતી પર આ પવિત્ર અવશેષોને ત્યાં દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા, જ્યાં સમગ્ર દેશમાંથી અંદાજે એક લાખ જેટલા બૌદ્ધ ભક્તોએ ઉમટી પડીને ભાવપૂર્વક શીશ નમાવ્યું હતું.
આ ઐતિહાસિક પ્રદર્શનનું આયોજન ૩૧ મે થી ૯ જૂન, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય સંગ્રહાલય દ્વારા મધ્ય પ્રદેશ સરકાર, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (IBC) અને શ્રીલંકાની મહાબોધિ સોસાયટીના સંયુક્ત સહયોગથી આ ભગીરથ આધ્યાત્મિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૫ માં જ્યારે મંગોલિયાના રાષ્ટ્રપતિ ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પવિત્ર અવશેષોને મોંગોલિયા મોકલવાની જાહેરાત કરી હતી, જે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને પ્રદર્શિત કરે છે.
બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરે જામ્યો ભક્તિનો માહોલ
મંગોલિયામાં આ પ્રદર્શનની શરૂઆત ૩૧ મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર તહેવાર સાથે જ થઈ હતી, જેના કારણે સ્થાનિક બૌદ્ધ સમુદાયમાં તહેવારનો આનંદ બમણો થઈ ગયો હતો. ભારતના રાષ્ટ્રીય સંગ્રહાલય દ્વારા પવિત્ર અવશેષોને પૂર્ણ ધાર્મિક વિધિઓ અને ઉચ્ચ સુરક્ષા પ્રોટોકોલ સાથે ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા. આ મહોત્સવના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મંગોલિયાના શિક્ષણ પ્રધાન તેમજ ભારતના પ્રતિનિધિ તરીકે આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય સહિત અનેક વરિષ્ઠ બૌદ્ધ સાધુઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પ્રસંગે મઠમાં "વેસેલ્સ ઓફ લાઇટ: આઇકોનોગ્રાફી, રેલીક્સ એન્ડ પાથ ઓફ ધમ્મ" નામનું એક ખાસ પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ભારતના અમૂલ્ય સંગ્રહાલય ખજાના દ્વારા ભગવાન બુદ્ધના જીવન અને તેમના અમર ઉપદેશોની સુંદર ઝાંખી કરાવવામાં આવી હતી.
જાણો કોણ હતા અર્હંત સારીપુત્ર અને અર્હંત મૌદ્ગલ્યાયન?
બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં આ બંને મહાનુભાવોનું સ્થાન અત્યંત આદરણીય અને પાયાના પથ્થર સમાન ગણાય છે. અર્હંત સારીપુત્ર ભગવાન ગૌતમ બુદ્ધના બે મુખ્ય પુરુષ શિષ્યોમાંના એક હતા. બૌદ્ધ પરંપરાઓમાં તેમને "જ્ઞાનમાં અગ્રણી" (શાણપણના પ્રતીક) તરીકે વ્યાપક પૂજનીય માનવામાં આવે છે. તેઓ પોતાની અસાધારણ બુદ્ધિ, ધમ્મ (ધર્મ) માં અગાધ નિપુણતા અને મઠ સમુદાયમાં કુશળ નેતૃત્વ માટે ખૂબ જાણીતા છે.
જ્યારે બીજા મુખ્ય શિષ્ય અર્હંત મૌદ્ગલ્યાયન (મહામૌદ્ગલ્યાયન) ની વાત કરીએ તો, તેમને તેમની અદ્ભુત માનસિક અને આધ્યાત્મિક શક્તિઓમાં સર્વોચ્ચ માનવામાં આવતા હતા. સારીપુત્ર અને મૌદ્ગલ્યાયન બંને આજીવન પરમ આધ્યાત્મિક સાથી રહ્યા હતા અને બૌદ્ધ સંઘના રક્ષક ગણાતા હતા. આ બંને મહાન શિષ્યોના પવિત્ર અવશેષોના દર્શન મંગોલિયાના લોકો માટે જીવનભરનું સંભારણું બની રહેશે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
