News of Tuesday, 9th June 2026
અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડવા પાછળ ઈરાનનો હાથ ? તો પણ ઈરાન સાથેની યુદ્ધબંધીને વાટાઘાટો અટકશે નહીં ?
સહુ કોઈ જાણે છે કે કોઈપણ ભોગે ઈરાન સાથે ડીલ કરવા ટ્રમ્પ તલપાપડ છે: આમ છતાં અમેરિકી અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ

વોશિંગ્ટન: ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભયાનક તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની નજીક અમેરિકાનું એક અત્યાધુનિક એએચ-૬૪ અપાચે એટેક હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં નવો ધડાકો થયો છે. અમેરિકી સત્તાધીશોએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેઓ આ દુર્ઘટના પાછળ ઈરાની સરફેસ-ટુ-એર (જમીન પરથી હવામાં ત્રાટકતી) મિસાઈલની શક્યતાઓની ઘનિષ્ઠ 'તપાસ' કરી રહ્યા છે. જોકે આ ગોઝારી ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલોટ્સનો આબાદ બચાવ થયો હોવાની પુષ્ટિ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે.
અમેરિકન સૈન્ય અને તપાસ એજન્સીઓ દ્વારા ગઈકાલે બનેલી આ ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં પેટ્રોલિંગ કરી રહેલા આ અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવામાં ઈરાનનો સીધો હાથ હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ અગાઉ રોષભેર જણાવ્યું હતું કે અમેરિકાએ પોતાની મિલિટરી પર થયેલા આ હુમલાનો જડબાતોડ જવાબ આપવો જ પડશે.
બીજી તરફ, અમેરિકી પ્રશાસનના 'તપાસ'ના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે કટાક્ષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રખ્યાત નિષ્ણાત અમીર ત્સરફાતીએ તેમની ટેલિગ્રામ ચેનલ પર એક પોસ્ટ શેર કરતા અમેરિકી પ્રશાસનની ઈરાન સાથેની વાટાઘાટો પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે અમેરિકી અધિકારીઓની નબળી નીતિ સામે આંગળી ચીંધીને સણસણતો કટાક્ષ કરતા લખ્યું છે કે, "ચિંતા કરશો નહીં - આ ઘટના 'એક શાનદાર ડીલ' માટે ચાલી રહેલી વાટાઘાટોને રોકી શકશે નહીં."
આમ, એક તરફ અમેરિકી સૈન્ય ઈરાની મિસાઈલ હુમલાની થિયરીની ગંભીર તપાસ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભૌગોલિક-રાજકીય સ્તરે અમેરિકાની કથિત ડીલને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે માછલાં ધોવાઈ રહ્યા છે. ભલે બંને પાઇલોટ સુરક્ષિત રહ્યા હોય, પરંતુ નિષ્ણાતોના મતે આ હુમલાએ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં વધુ એક અત્યંત તણાવપૂર્ણ અધ્યાય ઉમેરી દીધો છે
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
