News of Tuesday, 9th June 2026
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાનો ફુગ્ગો ફૂટ્યો: ઈરાન સાથે કરાર થઈ રહ્યાની ૩૮ વખત જાહેરાત કરી, પણ પરિણામ શૂન્ય
ઈરાન ડીલ મુદ્દે ભારે અટકળો: બે-ત્રણ દિવસના ટ્રમ્પના અત્યાર સુધીના તમામ વાયદાઓ જમીન પર સાવ પોકળ સાબિત થયા: આ વખતે શું થશે તેના ઉપર દુનિયાભરની નજર

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો અને પ્રસ્તાવિત કરારને લઈને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ માત્ર હવામાં ગોળીબાર સમાન સાબિત થઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં ટ્રમ્પે ઓછામાં ઓછી ૩૮ (આડત્રીસ) વખત એવો બડબોલો દાવો કર્યો છે કે ઈરાન સાથેનો કરાર ખૂબ જ 'નજીક', 'આસન્ન' અથવા તો માત્ર 'થોડા દિવસો દૂર' છે. આમ છતાં, જમીની હકીકત સાવ વિપરીત છે અને હજુ સુધી કોઈ પણ નક્કર ડીલ કાગળ પર ઉતરી શકી નથી.
આટલા સમયગાળામાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનોમાં વારંવાર પલટી મારી છે. તેમણે પહેલા એવો દાવો કર્યો હતો કે ઈરાન કરાર કરવા માટે 'કરગરી રહ્યું છે', ત્યારબાદ નિવેદન બદલીને કહ્યું કે ઈરાન કરાર માટે 'મરી રહ્યું છે' અને છેલ્લે એવું પણ કહ્યું કે તેઓ 'અમને બધું જ આપવા માટે તૈયાર છે'. આટલી બધી હકારાત્મકતા અને મોટા દાવાઓ હોવા છતાં, ઈરાન સાથે કરાર ફાઇનલ ન થતાં ટ્રમ્પ વહીવટીતંત્રની વિશ્વસનીયતા પર આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે ૭ એપ્રિલના રોજ બંને પક્ષો દ્વારા બે અઠવાડિયાના યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન બંને દેશો અંતિમ કરાર પર પહોંચી જશે તેવી ધારણા હતી. પરંતુ આજે એ વાતને પૂરા બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં સ્થિતિ 'જૈસે થે' છે.
મંગળવારે ટ્રમ્પે પોતાની નવી આગાહીમાં ફરીથી એ જ જૂનું ગાણું ગાયું હતું કે હવે 'બે કે ત્રણ દિવસમાં' ડીલ થઈ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આ અગાઉ ૨૩ (તેવીસ) મેના રોજ પણ તેમણે આવું જ રટણ કર્યું હતું.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
