તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
સરકારી બાબુનો ભ્રષ્ટાચાર: ₹૬,૦૦૦ની નોકરીથી શરૂઆત કરી એન્જિનિયરે ખડક્યો કરોડોનો આસામી બંગલો અને અસ્કયામતો
ઓડિશા વિજિલન્સના દરોડામાં સહાયક કાર્યકારી ઇજનેર બૈકુંઠનાથ બેહેરાના ૯ ઠેકાણેથી ₹૨.૪ કરોડ રોકડા, ૧૩ મોંઘા પ્લોટ અને ૫ આલીશાન ઇમારતો ઝડપાતા સનસનાટી

ભુવનેશ્વર: ૧૯૯૯માં માત્ર ₹૬,૦૦૦ના માસિક પગારથી જુનિયર એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરનાર સરકારી અધિકારી બૈકુંઠનાથ બેહેરાના કાળા કમાણીના સામ્રાજ્યનો ઓડિશા વિજિલન્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. હાલમાં કંધમાલ જિલ્લાના બાલીગુડામાં સંકલિત આદિજાતિ વિકાસ એજન્સી ખાતે સહાયક કાર્યકારી ઇજનેર તરીકે કાર્યરત બેહેરા સામે અપ્રમાણસર સંપત્તિની ચોક્કસ ફરિયાદ મળી હતી. જેના આધારે વિજિલન્સની ટીમોએ શનિવારે એક સાથે બેહેરાના વર્તમાન રહેઠાણ, ઓફિસ અને પૈતૃક ઘર સહિત કુલ નવ સ્થળો પર ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ દરોડા દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા જ્યારે એન્જિનિયરના ઘર અને બેંક લોકરમાંથી ₹૨.૪ કરોડની બિનહિસાબી રોકડ રકમ મળી આવી હતી. વિજિલન્સ એસપી સુશાંત કુમાર બિસ્વાલના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશનમાં ભુવનેશ્વર, બાલાસોર, જાજપુર અને બાલીગુડા જેવા પ્રમુખ શહેરોમાં ફેલાયેલી ૫ બહુમાળી વૈભવી ઇમારતો અને ૧૩ મોંઘા જમીનના પ્લોટના દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત અઢળક સોનાના દાગીના અને વિવિધ બેંકોમાં મોટા પાયે ફિક્સ ડિપોઝિટના રોકાણો પણ સામે આવ્યા છે જે તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા અનેક ગણા વધારે છે.
વહીવટી સ્તરે આ કેસને વર્ષ ૨૦૨૬ની સૌથી મોટી ભ્રષ્ટાચાર વિરોધી તપાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. જુદા જુદા સરકારી વિભાગોમાં પ્રમોશન મેળવી ભ્રષ્ટાચાર આચરનાર આ એન્જિનિયરની જપ્ત કરાયેલી બેનામી મિલકતોનું સત્તાવાર બજાર મૂલ્ય આંકવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. વિજિલન્સ વિભાગે આ મામલે ગુનો નોંધી તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે અને પ્લોટ કોના નામે ખરીદાયા હતા તેની ઊંડી તપાસ શરૂ કરી છે, જેથી આગામી દિવસોમાં આ કાળા કારોબારમાં સંકળાયેલા અન્ય વગદારોના ચહેરા પણ બેનકાબ થઈ શકે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
