News of Sunday, 12th April 2026
પીએમ મોદીની આંખોમાં આંસુ: "તમારા માટે જીવીશ અને તમારા માટે જ મરીશ" : સિલિગુડીમાં ભાવુક સંબોધન
ઉત્તર બંગાળના પ્રવેશદ્વારે વડાપ્રધાનનો હૃદયસ્પર્શી અંદાજ: બંગાળના વિકાસ માટે બલિદાન આપવાની તૈયારી સાથે TMC સરકાર પર સાધ્યું આકરા પાણીએ નિશાન : 4 મે પછી હિસાબ લેવાની આપી ગર્જના

સિલિગુડી: પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આયોજિત 'વિજય સંકલ્પ સભા'માં એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાના અપાર પ્રેમને જોઈને મંચ પર જ અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાં આંસુ સાથે તેમણે ગદ્ગદિત કંઠે કહ્યું કે, ૧.૪ અબજ દેશવાસીઓ અને બંગાળની જનતાના આશીર્વાદ જ તેમની સૌથી મોટી શક્તિ છે. પીએમ મોદીએ જાહેર કર્યું કે, "હું તમારા માટે મારું સર્વસ્વ બલિદાન આપવા તૈયાર છું. જો હું જીવીશ તો તમારા માટે અને જો સંઘર્ષ કરીશ તો પણ તમારા માટે જ લડતો રહીશ." આ ભાવુક ક્ષણે મેદાનમાં હાજર લાખો લોકોની મેદનીમાં ભારે ઉત્સાહ ભરી દીધો હતો.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, છેલ્લા ૧૫ વર્ષમાં બંગાળે માત્ર વિનાશ અને ભ્રષ્ટાચાર જ જોયો છે. ખાસ કરીને યુવા મતદારોને સંબોધતા તેમણે કહ્યું કે, જે મિત્રો ૧૫ વર્ષ પહેલા પહેલા ધોરણમાં હતા, આજે તેઓ બંગાળનું ભાગ્ય લખવા જઈ રહ્યા છે. મોદીએ આરોપ લગાવ્યો કે મમતા સરકારે ઉત્તર બંગાળની જાણીજોઈને ઉપેક્ષા કરી છે. કનેક્ટિવિટી, પર્યટન અને ઉદ્યોગ જેવા મહત્વના ક્ષેત્રોમાં આ વિસ્તારને પાછળ ધકેલી દેવામાં આવ્યો છે અને કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલા નાણાંની 'સિન્ડિકેટ' દ્વારા ઉચાપત કરવામાં આવી છે.
પીએમ મોદીએ TMC પર તુષ્ટિકરણની રાજનીતિનો મોટો આરોપ લગાવતા કહ્યું કે, સરકારનું બજેટ ભેદભાવનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે મદરેસાઓ માટે ₹6,000 કરોડ ફાળવનારી સરકાર ઉત્તર બંગાળના વિકાસ માટે કેમ પાછી પાની કરે છે? વડાપ્રધાને અંતમાં એક મોટી ચેતવણી આપતા કહ્યું કે, બંગાળની જનતા હવે એક-એક પાઈનો હિસાબ માંગી રહી છે. 4 મે પછી જ્યારે ભાજપની સરકાર બનશે, ત્યારે TMCએ છેલ્લા ૧૫ વર્ષના દરેક દુષ્કર્મ અને ભ્રષ્ટાચારનો હિસાબ જનતાને આપવો પડશે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
