બાંગ્લાદેશમાં ઓરીનો હાહાકાર: માસૂમો પર ત્રાટકેલો જીવલેણ વાયરસ, એક જ મહિનામાં 100થી વધુ બાળકોના મોત!
સામાન્ય તાવ સમજીને ભૂલ ન કરતા, 900થી વધુ બાળકો ઝપેટમાં આવ્યા બાદ સરકારે 12 લાખથી વધુ રસીકરણ માટે છેડ્યું 'યુદ્ધ' સ્તરનું અભિયાન

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઓરી નામના વાયરલ ચેપે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેને આપણે ઘણીવાર સામાન્ય તાવ કે 'શીતળા' જેવા સામાન્ય ચામડીના રોગ સમજીને અવગણીએ છીએ, તે ઓરીએ છેલ્લા એક મહિનામાં 100થી વધુ માસૂમ બાળકોના જીવ છીનવી લીધા છે. શરૂઆતમાં વાલીઓએ આને સામાન્ય વાયરલ ઈન્ફેક્શન માન્યું હતું, પરંતુ જ્યારે બાળકોની હાલત વધુ બગડવા લાગી અને મોતનો આંકડો વધવા લાગ્યો, ત્યારે આખા દેશમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 900થી વધુ ગંભીર કેસ નોંધાયા છે, જેના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે.
ઓરી એ માત્ર ચામડી પર પડતા લાલ ફોલ્લીઓનો રોગ નથી, પરંતુ તે હવામાં ફેલાતો એક અત્યંત ચેપી વાયરસ છે. જ્યારે કોઈ ચેપગ્રસ્ત બાળક ખાંસી કે છીંક ખાય છે, ત્યારે તેના વાયરસ કલાકો સુધી હવામાં જીવંત રહે છે અને શ્વાસ દ્વારા બીજા બાળકોમાં ફેલાય છે. આ રોગ બાળકોની રોગપ્રતિકારક શક્તિને અંદરથી તોડી નાખે છે, જેના કારણે ન્યુમોનિયા કે મગજના સોજા જેવી ગંભીર ગૂંચવણો ઉભી થાય છે. બાંગ્લાદેશમાં જે બાળકોના મોત થયા છે, તેમાં મોટાભાગના એવા હતા જેમણે સમયસર રસી લીધી ન હતી અથવા કુપોષિત હતા. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો બાળકના શરીરમાં તીવ્ર તાવ સાથે લાલ ચકામા દેખાય, તો તેને જરાય હળવાશથી ન લેવું જોઈએ.
આ ભયાનક પરિસ્થિતિને જોતા બાંગ્લાદેશ સરકારે 'ઇમરજન્સી' જાહેર કરી છે અને 5 એપ્રિલથી દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ 1.2 મિલિયન એટલે કે 12 લાખથી વધુ બાળકોને ઓરી-રુબેલા (MR) ની રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ પણ આ મામલે સતર્ક થઈ ગઈ છે કારણ કે ઓરીનો વાયરસ સરહદો ઓળંગીને પડોશી દેશોમાં પણ ફેલાઈ શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે આ જીવલેણ રોગથી બચવાનો એકમાત્ર અને રામબાણ ઈલાજ 'રસીકરણ' જ છે. જે બાળકોએ રસીનો ડોઝ મિસ કર્યો છે, તેમના પર અત્યારે મોતનું સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
