News of Sunday, 12th April 2026
સંજય રાઉતનો કટાક્ષ: "ફોટા લગાડવા હોય તો અમારા બોસ પાસે ટ્યુશન લો!"
પાકિસ્તાનની ગરીબી અને ભારતના 'પ્રચાર મોડલ' વચ્ચે સંજય રાઉતે ખેંચી તલવાર: ઈસ્લામાબાદના હોર્ડિંગ્સથી લઈને અમેરિકા-ઈરાન મંત્રણા સુધીના મુદ્દે ભાજપ અને પાડોશી દેશ પર આકરા પ્રહારો

મુંબઈ: શિવસેના (UBT)ના સાંસદ અને પોતાના તીખા શબ્દો માટે જાણીતા સંજય રાઉતે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વ્યંગનું તોફાન ઉભું કર્યું છે. આ વખતે તેમના નિશાના પર માત્ર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ જ નહીં, પરંતુ પરોક્ષ રીતે ભારતીય સત્તાધિશો પણ રહ્યા. રાઉતે કટાક્ષ કરતા કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફ અસીમ મુનીર એટલા 'ગરીબ' છે કે તેઓ ઈસ્લામાબાદના રસ્તાઓ પર પોતાનો એક ફોટો પણ લગાવી શકતા નથી. તેમણે આ મામલે ભારતીય નેતાઓની પ્રચાર શૈલી સાથે સરખામણી કરતા જણાવ્યું કે, જો પ્રસિદ્ધિ કેવી રીતે કરવી એ શીખવું હોય તો "અમારા બોસ" પાસેથી શીખવું જોઈએ, જેમના ફોટા પેટ્રોલ પંપથી લઈને શૌચાલયો સુધી દરેક જગ્યાએ જોવા મળે છે.
બીજી તરફ, રાઉતે સામનાના તંત્રીલેખ દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ વાર્તા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઈરાનની હિંમતની પ્રશંસા કરતા લખ્યું કે, ઈરાન જેવા દેશે અમેરિકા જેવી મહાસત્તાને પણ નમવા મજબૂર કરી દીધી. ટ્રમ્પ જેવા શક્તિશાળી નેતાની ધમકીઓ છતાં ઈરાની જનતા જે રીતે રસ્તા પર ઉતરી અને માનવ સાંકળ બનાવીને પોતાના દેશની રક્ષા કરી, તે કાબિલે તારીફ છે. રાઉત મુજબ, આ એક પાઠ છે કે કેવી રીતે જનતાની એકતા કોઈ પણ તાકાત સામે લડી શકે છે.
જોકે, આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટો વિરોધાભાસ પાકિસ્તાનની ભૂમિકાને લઈને છે. રાઉતે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જે દેશ ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીઓનું આશ્રયસ્થાન રહ્યો છે અને જ્યાંથી ભારતમાં આતંકવાદ ફેલાવવામાં આવે છે, તે દેશ આજે 'શાંતિ દૂત' બનીને અમેરિકા-ઈરાન મંત્રણાનું યજમાન પદ ભોગવી રહ્યો છે. તેમણે અમેરિકાની નીતિ પર પણ કટાક્ષ કર્યો કે આતંકવાદના કેન્દ્ર ગણાતા ઈસ્લામાબાદને શાંતિ મંત્રણા માટે પસંદ કરીને અમેરિકાએ પાકિસ્તાનને જાણે 'સચ્ચાઈનું પ્રમાણપત્ર' આપી દીધું હોય તેવું લાગે છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
