<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

પાકિસ્તાન પર દેવાનો ડબલ એટેક: UAE એ વસૂલાત શરૂ કરી તો સાઉદી બન્યું 'તારણહાર'

ગલ્ફ દેશોના આંતરિક સમીકરણોમાં ફસાયેલું ઇસ્લામાબાદ: એક તરફ તિજોરી ખાલી થવાનો ડર અને બીજી તરફ સરહદ પર લશ્કરી ગતિવિધિઓ વચ્ચે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યંત નાજુક મોડ પર

ઇસ્લામાબાદ:  પાકિસ્તાન હાલમાં એક વિચિત્ર આર્થિક 'ધર્મસંકટ' માં ફસાયું છે, જ્યાં તેના બે સૌથી નજીકના સાથી દેશો વચ્ચેના સંબંધોની અસર તેના અસ્તિત્વ પર પડી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ અચાનક પોતાની $3 બિલિયનની લોન પાછી માંગીને પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડાર પર મોટો પ્રહાર કર્યો છે. આ એવો સમય છે જ્યારે પાકિસ્તાન IMF પાસે હાથ ફેલાવી રહ્યું છે, ત્યારે UAE નો આ આકરો વલણ માત્ર નાણાકીય નથી પણ રાજકીય સંકેત પણ માનવામાં આવે છે. $3 બિલિયનની આ રકમ પાકિસ્તાનના કુલ ભંડારના 18% જેટલી થાય છે, જેની ચુકવણી ઇસ્લામાબાદને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે.

આ અંધકારમય વાતાવરણમાં સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ અલ-જદાનની ઇસ્લામાબાદ મુલાકાતે આશાનું નવું કિરણ જગાડ્યું છે. સાઉદી અરેબિયા હવે પાકિસ્તાન માટે માત્ર એક મિત્ર નહીં, પણ 'ટ્રબલશૂટર' (મુશ્કેલીનિવારક) બનીને ઉભર્યું છે. શાહબાઝ શરીફ સરકાર સાઉદી તરફથી મોટી આર્થિક રાહત અને રોકાણની અપેક્ષા રાખી રહી છે, જેથી UAE ના દેવાની ભરપાઈ કર્યા પછી જે ખાડો પડશે તેને પૂરી શકાય. આ મુલાકાત મધ્ય પૂર્વમાં સાઉદી અને UAE વચ્ચે વધી રહેલી આર્થિક સ્પર્ધાના પડઘા તરીકે પણ જોવામાં આવી રહી છે.

બીજી તરફ, આર્થિક ખેંચતાણની વચ્ચે સાઉદી-પાકિસ્તાન લશ્કરી સંબંધોમાં અચાનક તેજી આવી છે. પાકિસ્તાન વાયુસેનાના ફાઇટર જેટ્સ સાઉદી અરેબિયાના એરબેઝ પર પહોંચ્યા છે, જે દર્શાવે છે કે આર્થિક મદદના બદલામાં પાકિસ્તાન પોતાની સૈન્ય તાકાત સાઉદીને સમર્પિત કરી રહ્યું છે. એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવમાં પાકિસ્તાન મધ્યસ્થી હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ પોતાની સુરક્ષા અને સમૃદ્ધિ માટે તે સંપૂર્ણપણે સાઉદી અરેબિયાના શરણે ગયું છે. હવે જોવાનું એ રહેશે કે સાઉદીનું આ 'પેકેજ' પાકિસ્તાનને ડૂબતું બચાવશે કે પછી તે ગલ્ફની આંતરિક લડાઈમાં વધુ ઊંડું ઉતરશે.

(6:13 PM IST)