તા. ૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૫ મંગળવાર
News of Friday, 10th April 2026
ઇસ્લામાબાદમાં જાસૂસી ડ્રામા: અમેરિકા-ઈરાન વચ્ચે ગુપ્ત મંત્રણાનો ગરમાવો : નનૈયો કરતા કરતા ઈરાની ડેલિગેશન પાકિસ્તાન પહોંચ્યું
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનની સેરેના હોટલ બની વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર; ઈરાને હોર્મુઝ બંધ કરી અમેરિકા સામે બાયો ચઢાવી અને ઈઝરાયલના શાંતિ પ્રસ્તાવને હિઝબુલ્લાહે ઠુકરાવતા મધ્ય-પૂર્વમાં અનિશ્ચિતતાનો માહોલ

ઇસ્લામાબાદ: પશ્ચિમ એશિયામાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. લેબનોન પર ઈઝરાયલના તાજેતરના હુમલાઓથી લાલઘૂમ થયેલા ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) બંધ કરી દીધી છે. ઈરાનનો દાવો છે કે અમેરિકાએ યુદ્ધવિરામના નિયમોનો ભંગ કર્યો છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે. આ તણાવ વચ્ચે, પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની સેરેના હોટલમાં જાણે કોઈ થ્રિલર ફિલ્મ જેવો માહોલ સર્જાયો છે, જ્યાં ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળો એકબીજાના સામસામે હોવાના અહેવાલો છે. જોકે ઈરાને સત્તાવાર રીતે આ બેઠકનો ઇનકાર કર્યો છે, પરંતુ હોટલ બહારની કડક સુરક્ષા અને ઉચ્ચ સ્તરીય હિલચાલ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે.
બીજી તરફ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનોન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂકીને નવો દાવ ખેલ્યો છે. નેતન્યાહૂ ઈચ્છે છે કે હિઝબુલ્લાહ હથિયારો નીચે મૂકે અને સરહદ પર શાંતિ સ્થપાય, પરંતુ હિઝબુલ્લાહે આ પ્રસ્તાવને પાયાવિહોણો ગણાવી ફગાવી દીધો છે. હિઝબુલ્લાહના નેતા અલી ફૈયાદે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલ તેના હુમલા બંધ નહીં કરે અને કબજે કરેલા વિસ્તારો ખાલી નહીં કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મંત્રણા શક્ય નથી. આ દરમિયાન લેબનોન સરકાર વચગાળાના યુદ્ધવિરામ માટે રસ્તો શોધી રહી છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થી તરીકે સક્રિય ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ વળતો પ્રહાર કરવાની અને બદલો લેવાની જે ધમકી આપી છે તેણે મામલો વધુ ગંભીર બનાવ્યો છે. ટ્રમ્પે એક તરફ ઈરાન સાથે શાંતિ કરારની આશા વ્યક્ત કરી છે, તો બીજી તરફ જો કરાર નહીં થાય તો ઈરાનને "પીડાદાયક પરિણામો" ભોગવવાની ચેતવણી પણ આપી છે. ભારત સહિત આખી દુનિયાની નજર અત્યારે ઇસ્લામાબાદમાં બંધ દરવાજે ચાલી રહેલી આ ગતિવિધિઓ પર ટકેલી છે, કારણ કે અહીં લેવાયેલો એક નાનકડો નિર્ણય કાં તો શાંતિ સ્થાપશે અથવા સમગ્ર વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે લાવીને ઊભું કરી દેશે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
