<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

બ્રાઝિલની સ્પીડસ્ટર લૌરા કાર્ડોસોએ ક્રિકેટ જગતમાં મચાવ્યો હાહાકાર: એક જ મેચમાં ૯ વિકેટ ઝડપી બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ; પુરુષ ક્રિકેટરો પણ જોતા રહી ગયા!

T20I ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ બોલરે એક ઇનિંગમાં લીધી ૯ વિકેટ; માત્ર ૪ રન આપીને લેસોથોની ટીમને કરી વેરવિખેર, બ્રાઝિલની ૧૮૯ રને ભવ્ય જીત

ગેબોરોન: ક્રિકેટના મેદાનમાં અત્યાર સુધી તમે અનેક રેકોર્ડ બનતા જોયા હશે, પરંતુ બ્રાઝિલની મહિલા ક્રિકેટર લૌરા કાર્ડોસોએ જે પરાક્રમ કર્યું છે તે જાણીને આખું વિશ્વ દંગ રહી ગયું છે. BCA કાલહારી મહિલા T20I ટુર્નામેન્ટ ૨૦૨૬માં લેસોથો સામે રમતા લૌરાએ માત્ર બોલિંગ જ નથી કરી, પરંતુ વિરોધી ટીમનો આખો ગઢ એકલા હાથે તોડી પાડ્યો છે. લૌરા હવે પુરુષ કે મહિલા T20I ક્રિકેટમાં એક જ ઇનિંગમાં ૯ વિકેટ લેનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે.

માત્ર ૩ ઓવરમાં ૯ વિકેટ: અકલ્પનીય પ્રદર્શન

લૌરા કાર્ડોસોએ તેની ત્રણ ઓવરના સ્પેલમાં માત્ર ૪ રન આપીને ૯ વિકેટ ઝડપી હતી. આ આંકડા ટી-૨૦ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ બોલિંગ આંકડા છે.

· હેટ્રિકથી શરૂઆત: લૌરાની ઘાતક બોલિંગની શરૂઆત બીજી જ ઓવરમાં શાનદાર હેટ્રિક સાથે થઈ હતી.

· વિકેટોની હેલી: ચોથી ઓવરમાં તેણે વધુ ચાર શિકાર કર્યા અને છઠ્ઠી ઓવરમાં બાકીની બે વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો.

· વર્લ્ડ રેકોર્ડ તોડ્યો: આ પહેલા ભૂટાનના સોનમ યેશેએ ૨૦૨૫માં ૮ વિકેટ લીધી હતી, જેનો રેકોર્ડ લૌરાએ તોડી નાખ્યો છે.

બ્રાઝિલનો બેટિંગમાં પણ દબદબો

પહેલા બેટિંગ કરતા બ્રાઝિલની મહિલા ટીમે ૨૦૨ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. મોનિકે માચાડોના અણનમ ૬૯ રન અને રોબર્ટા એવરીના ૪૮ રનની મદદથી બ્રાઝિલે લેસોથો સામે હિમાલય જેવું લક્ષ્ય રાખ્યું હતું.

માત્ર ૧૩ રનમાં લેસોથોનો સફાયો

૨૦૩ રનનો પીછો કરવા ઉતરેલી લેસોથોની ટીમ લૌરા કાર્ડોસોની તોફાની બોલિંગ સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. લેસોથોની આખી ટીમ માત્ર ૬.૨ ઓવરમાં ૧૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બ્રાઝિલે આ મેચ ૧૮૯ રનના માર્જિનથી જીતીને મહિલા ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી જીત પૈકીની એક નોંધાવી છે.

લૌરા કાર્ડોસોની આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે બ્રાઝિલમાં હવે માત્ર ફૂટબોલ જ નહીં, પણ ક્રિકેટમાં પણ નવા ચેમ્પિયન્સ તૈયાર થઈ રહ્યા છે. આ રેકોર્ડબ્રેક સ્પેલ આવનારા અનેક વર્ષો સુધી ક્રિકેટ રસિયાઓ માટે ચર્ચાનો વિષય રહેશે.

 

(7:11 PM IST)