News of Thursday, 9th April 2026
સ્પેનના આ સુંદર ગામમાં વસવાટ કરવા માટે મળશે મફત ઘર અને નોકરી: શું તમે આ પડકાર ઝીલવા તૈયાર છો?
માત્ર 40 લોકોની વસ્તી ધરાવતું એરેનાસ ગામ પોતાની અસ્તિત્વ ટકાવી રાખવા માટે પરિવારોને આપી રહ્યું છે સુવર્ણ તક : શાંત ટેકરીઓ વચ્ચે વસવાટ કરવાની સાથે નિભાવવી પડશે ગામના વિકાસની મહત્વની જવાબદારીઓ

સ્પેન : સ્પેનના સોરિયા ક્ષેત્રમાં આવેલું એરેનાસ ગામ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ નાનકડું અને રમણીય ગામ લુપ્ત થતી વસ્તીને બચાવવા માટે એક અનોખી ઓફર લઈને આવ્યું છે: અહીં સ્થાયી થનાર પરિવારને મફત રહેઠાણ અને કાયમી રોજગાર આપવામાં આવશે. એપ્રિલના ખુશનુમા તાપમાન અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ વચ્ચે આ તક કોઈ સપના જેવી લાગે છે, પરંતુ તેની પાછળ એક મક્કમ ઉદ્દેશ્ય છે. ગામ ઈચ્છે છે કે અહીં એવા લોકો આવે જે માત્ર મહેમાન બનીને નહીં, પણ સમુદાયનો હિસ્સો બનીને ગામને પુનર્જીવિત કરે.
જોકે, આ ઓફર જેટલી આકર્ષક છે, તેની શરતો એટલી જ સખત છે. પસંદગી પામેલા પરિવારે ગામનો લોકલ બાર ચલાવવો પડશે, જે ત્યાંના સામાજિક જીવનનું કેન્દ્ર છે. આ ઉપરાંત, મ્યુનિસિપલ રિપેરિંગ અને બાંધકામના કામોમાં શારીરિક શ્રમ આપવો પડશે. સૌથી મહત્વની શરત એ છે કે પરિવારમાં શાળાએ જતા બાળકો હોવા જોઈએ, જેથી ગામની ભવિષ્યની પેઢી તૈયાર થઈ શકે. યાદ રહે કે અહીં જીવન આધુનિક સુવિધાઓથી દૂર છે; નજીકની શાળા ૨૦ કિમી દૂર છે અને શિયાળો અત્યંત કઠોર હોય છે.
આ યોજનાનો લાભ લેવા માટે સૌથી મોટી કાનૂની શરત એ છે કે ઉમેદવાર પાસે સ્પેનમાં રહેવા અને કામ કરવાના કાયદેસરના વિઝા પહેલેથી હોવા જોઈએ, કારણ કે આ પ્રોગ્રામ વિઝા સ્પોન્સરશિપ આપતો નથી. ૧૯૫૦થી ખાલી થઈ રહેલા ગ્રામીણ સ્પેનને બચાવવા માટેનો આ એક ગંભીર પ્રયાસ છે. જો તમે શારીરિક શ્રમ માટે તૈયાર હોવ અને શહેરી ઘોંઘાટથી દૂર એકાંતમાં નવું જીવન શરૂ કરવા માંગતા હોવ, તો એરેનાસના દરવાજા તમારા માટે ખુલ્લા છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
